કે. એલ. રાહુલ અને અંબાતી રાયડુથી પણ પસંદગીકારો નારાજઃ વર્લ્ડકપમાં વિજય શંકરનું સ્થાન લગભગ નક્કી

નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો મોહાલી વન ડેમાં ઋષણ પંતના પ્રદર્શનથી એટલા બધા નારાજ થયા હતા કે તેમણે વિશ્વકપ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે અન્ય નામો પર વિચારવાનું શરૂ કરી દીધું હતું એટલું જ નહીં, મધ્ય ક્રમના બેટ્સમેન કે. એલ. રાહુલ અને અંબાતી રાયડુના પ્રદર્શનથી પણ પસંદગીકારો નારાજ છે. જકે ઓલરાઉન્ડર વિજય શંકરે ઓસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી પાંચ વન ડે મેચની શ્રેણીમાં પોતાનાં પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે અને તેનું વિશ્વકપની ટીમમાં સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

ભારતની ૧૫ સભ્યોની ટીમની પસંદગી ૨૪ એપ્રિલે થાય તેવી શક્યતાછે, કારણ કે ૨૫ એપ્રિલ આઇસીસીને ટીમની યાદી મોકલવાની અંતિમ તારીખ છે. ભારતીય ટીમે આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વિશ્વકપ પહેલાં પોતાની અંતિમ વન ડે શ્રેણી ઓસી. સામે રમી લીધી. હવે આઇપીએલ રમાશે અને ત્યાર બાદ ટીમ ઇન્ડિયા સીધી ૨૫ મેએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચ રમશે.

વિશ્વકપ માટે હજુ પણ કેટલાક સવાલના જવાબ ટીમ ઇન્ડિયાએ શોધવાના બાકી છે. ભારતીય પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી શ્રેણીએ અમે કંઈક વિચારવા માટે મજબૂર કરી દીધા છે. અમારાં ૧૩ નામ નક્કી છે, પરંતુ અમારે બીજા વિકેટકીપરના અને એક વધારાના બેટ્સમેન અંગે વિચારવાનું છે. અમે ૧૫ ખેલાડી જ વિશ્વકપમાં મોકલી શકીએ છીએ.

આ સ્થિતિમાં ટીમમાં દરેક સ્થાન મહત્ત્વનું છે. જો કોઈ ખેલાડી આઇપીએલ દરમિયાન અનફિટ થાય તો પછી અન્ય નામો પર પણ વિચાર કરવો પડશે. આ સભ્યએ વધુમાં જણાવ્યું, અમે એ વાત પર સંમત હતા કે ધોની ઉપરાંત પંતને બીજા વિકેટકીપરના રૂપમાં મોકલી શકાય છે, પરંતુ મોહાલી અને દિલ્હીમાં તેણે જે રીતે વિકેટકીપિંગ અને બેટિંગ કરી તેનાથી અમને ઘણી નિરાશા થઈ છે.

કંઈક આવી જ સ્થિતિ રાયડુ અને કે. એલ. રાહુલની છે. અમારા ઓપનર રોહિત અને શિખર નક્કી છે. ત્રીજા નંબર પર પણ કેપ્ટન વિરાટ જ બેટિંગ કરશે. રાહુલ અને રાયડુ જો ઈંગ્લેન્ડ નહીં જાય તો વિજય શંકર ચોથા નંબર પર બેટિંગ કરી શકેછે. તેણે શ્રેણીમાં અમને ઘણા પ્રભાવિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ઋષભ પંતની ભૂલને કારણે જ ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં ૩૫૯ રનનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. કોહલીએ મોહાલીમાં રાહુલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી, પરંતુ તે ૩૧ બોલમાં ૨૬ રન જ બનાવી શક્યો હતો. પંત વિકેટની આગળ અને વિકેટની પાછળ નિષ્ફળ રહ્યો હતો.

You might also like