ગુજરાતને મળ્યા નવા નાથ : વિજય રૂપાણીની વિધિવત્ત જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના રાજીનામા બાદ નવા સીએમ તરીકે કોણ તે અંગે લાંબા સમયથી વિવિધ રાજકિય અટકળો ચાલી રહી હતી. જો કે નીતિન પટેલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું. વિજય રૂપાણી અગાઉથી જ મુખ્યમંત્રીની રેસમાંથી બહાર હોવાનું જણાવી ચુક્યા હતા. જો કે અચાનક જ હાઇકમાન્ડ અને ધારાસભ્યોની બેઠક બાદ વિજય રૂપાણીનું નામ જાહેર થતા તમામ રાજકીય ગલિયારાઓમાં આશ્ચર્ય ફેલાયું હતું.

જો કે અમિત શાહની પહેલાથી જ સામા વહેણમાં તરવાની આદત રહી છે. મોટા ભાગનાં મીડિયા દ્વારા નીતિન પટેલને નવા મુખ્યમંત્રી તરીકે ફાઇનલ માનવામાં આવી રહ્યા હતા. મોટા ભાગનાં રાજકીય વિશ્લેષકો પણ નીતિન પટેલ ફાઇનલ હોવાનું ગણગણી રહ્યા હતા. માત્ર હાઇકમાન્ડ ઔપચારિક જાહેરાત કરે તેની રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ બેઠકનાં અંતે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનાં નામની તો ડેપ્યુટી સી.એમ તરીકે નીતિન પટેલનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

જેનાં કારણે જે સમીકરણ હતું તે  ઉલટાઇ ગયું હતું. વિજય રૂપાણીને લગભગ ડેપ્યુટી સી.એમ તરીકે નિશ્ચિત માનવામા આવતા હતા. ત્યારે તેઓને મુખ્યમંત્રી જ્યારે નીતિન પટેલને મુખ્યમંત્રીનાં બદલે ડેપ્યુટી સીએમ બનાવાતા આશ્ચર્ય ફેલાયું હતું. કારણ કે નીતિન પટેલનાં મત વિસ્તારમાં પણ ભારે તૈયારીઓ થઇ ચુકી હતી. નીતીન પટેલનાં સમર્થકોમાં પણ સોપો પડી ગયો છે. જ્યારે વિજય રૂપાણીનાં સમર્થકોમાં આશ્ચર્યમિશ્રિત ખુશીની લાગણી પ્રસરી રહી છે.

You might also like