વિજય રૂપાણીની નવી ટીમની માર્ચના અંત સુધીમાં જાહેરાત

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ પદે વિજય રૂપાણીની નિયુક્તિ બાદ હવે નવા સંગઠનનું માળખું અને નવી કારોબારીની યાદી તૈયાર થઇ ચૂકી છે. ર૭મી માર્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદની મુલાકાત છે. તેમની મંજૂરીની મહોર બાદ આ માસના અંત સુધીમાં ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર કરી દેવાશે.

નવા પ્રદેશ માળખાની નવી ટીમની કારોબારી બેઠક ૪થી, એપ્રિલે મળશે. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૧ સંલગ્ન મહામંત્રી, પ મહામંત્રી, ૯ પ્રદેશમંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી રહેશે. ઉપપ્રમુખ તરીકે કાૈશિક પટેલ, કાનાજી ઠાકોર અને આઇ.કે. જાડેજાનાં નામો નિશ્ચિત મનાય છે. જ્યારે સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયા પણ યથાવત રહેશેે. આજે મળનારી ભાજપની કારોબારી બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. સંગઠનમાં નવી ટીમમાં લેવાનારા સભ્યોને ક્ષત્રિય, પાટીદાર, ઠાકોર સમાજ, જૈન, બ્રાહ્મણ સમુદાયની વોટ બેંક મજબૂત બનવાવાની જવાબદારી સોંપવામાં આવશે. તેમજ પક્ષના સ્થાપના દિનની ઉજવણી સહિત કિસાન રેલીના કાર્યક્રમોની જવાબદારી સોંપાશે.

૪થી, એપ્રિલે ભાજપની પહેલી કારોબારી મળશે. ત્યારબાદ એ જ સપ્તાહના અંતમાં જિલ્લા અને મંડળ કારોબારી યોજાશે જેનમાં ભાજપ આયોજિત કિસાન રેલીમાં કિસાન લક્ષી અને ગ્રામ ઉત્થાનની યોજનાનું માર્ગદર્શન આપી લોકો સુધી લઇ જવાનું સમજાવાશે. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે માર્ચના અંત સુધીમાં નવા સંગઠન માળખાની જાહેરાત થશે અને નવી કારોબારીની પહેલી મિટિંગ ૪થી એપ્રિલે મળશે.

વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણીઓમાં ભાજપને પૂર્ણ બહુમતી મળે તે માટે અત્યારથી જ ગ્રૂપ અને વન-ટુ-વન મિટિંગોનો દોર કમલમ્ કાર્યાલય ખાતે શરૂ થઇ ચૂક્યો છે. તમામ હોદ્દેદારો પાસેથી ખાસ રિપોર્ટ મેળવ્યા બાદ આખરી રિપોર્ટ તૈૈયાર કરાયો છે. જે ર૭મીએ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આપવામાં આવશે.

You might also like