કરોડો દબાવીને બેઠેેલા માલ્યાએ ન્યૂયોર્કમાં એક કરોડ ડોલરનું પેન્ટ હાઉસ ખરીદ્યું

નવી દિલ્હી: એક બાજુ ભારતીય બેન્કો વિજય માલ્યા પાસેથી કિંગફિશર એરલાઇન્સ માટે આપવામાં આવેલી રૂ.૯,૦૦૦ કરોડની લોન વસૂલવા માટે કોશિશ કરી રહી છે તો બીજી બાજુ કંપનીના માલિક વિજય માલ્યાએ ગયા મહિને જ ન્યૂયોર્કના મેનહટન સ્થિત પ્રસિદ્ધ ટ્રમ્પ પ્લાઝામાં એક પેન્ટ હાઉસનો સોદો કર્યો હતો, જેના માટે તેમણે એક કરોડ ડોલર પણ ચૂકવ્યા હતા.

શરાબના ઉદ્યોગપતિ દ્વારા ખરીદવામાં આવેલ આ પેન્ટ હાઉસ વર્ષ ર૦૧૦માં તેમના દ્વારા આ મશહૂર ઇમારતમાંં કરવામાં આવેલી ખરીદીનો ભાગ છે. વિજય માલ્યાએ પોતાની પુત્રી સાનિયાના નામે આ જ ઇમારતમાં એક પેન્ટ હાઉસ સહિત ત્રણ ફલેટ ખરીદ્યા હતા.

ન્યૂયોર્કના નાણાં વિભાગના દસ્તાવેજો અનુસાર માલ્યાએ એ વખતે ૪૬ લાખ ડોલર એટલે કે રૂ.ર૧ કરોડનું પેમેન્ટ કર્યું હતું, જોકે ગઇ સાલ માલ્યાને ટ્રમ્પ પ્લાઝા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં તેમને તેમની પુત્રીના નામે ખરીદેલ પેન્ટ હાઉસનો કબજો મેળવવા માટે તેમણે ૧.૦૧ કરોડ ડોલરની લેણી રકમ ચૂકવવી પડશે.

પહેલી મે સુધીમાં હાજર થવા માલ્યાને આદેશ
સરકાર દ્વારા એક બાજુ ‌વિલપુલ ડિફોલ્ટર વિજય માલ્યાને ભારત પરત લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) દ્વારા વિજય માલ્યાને છેતરપિંડી અને ઉચાપતના કેસમાં પહેલી મે સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે. એસએફઆઇઓએ ઇડીને પત્ર લખીને તેમની વિદેશી સંપત્તિ અંગે માહિતી માગી છે.

You might also like