વિજય માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી અધૂરીઃ ર એપ્રિલ સુધી જામીન મળ્યા

લંડન: ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે.

હવે આગામી સુનાવણીમાં વિજય માલ્યા પોતાની દલીલો રજૂ કરશે. હજુ સુધી આગામી સુનાવણીની તારીખ મળી નથી, પરંતુ એવી શકયતા છે કે આગામી ૩ અઠવાડિયાની અંદર હવે પછીની સુનાવણીની તારીખ નક્કી થઇ જશે.

આ કેસમાં પ્રોસિકયુશન એટલે કે ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસ (સીપીએસ)ની રજૂઆત હજુ બાકી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે તમામ પુરાવા રદ કરાવવાની કોશિશ કરી હતી. માલ્યાના વકીલે એવો બચાવ કર્યો હતો કે બ્રિટનના કાયદા અનુસાર ભારતના કોઇ પણ પુરાવા સ્વીકારવા યોગ્ય નથી, જોકે તેની સામે ભારતની રજૂઆત હજુ બાકી છે.

માલ્યા અને તેના વકીલ સીરીલ શ્રોફ વચ્ચે થયેલ ઇ-મેઇલની આપલેને ફગાવી દેતાં માલ્યાના હાલના વકીલે જણાવ્યું હતું કે એક વકીલ અને તેના અસીલ વચ્ચે થયેલી વાતચીતને વિશષાધિકારનો દરજજો પ્રાપ્ત થતો હોય છે, તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય નહીં. સાક્ષીના નિવેદનને માલ્યાના વકીલે અવિશ્વસનીય ગણાવ્યું હતું.

સાથે જ સાક્ષીના નિવેદનના સ્રોત અને સ્વરૂપને બ્રિટનના પ્રત્યર્પણ કાયદા હેઠળ અસ્વીકાર્ય હોવાની રજૂઆત કરી હતી બંને પક્ષ દ્વારા પુરાવા પર પોતાની રજૂઆત થયા બાદ જ કોર્ટ ચુકાદો આપશે, સાથે જ જજે મુંબઇની આર્થર રોડ જેલની બેરેક ૧રમાં કુદરતી પ્રકાશ અને મેડિકલ સુવિધાઓની જાણકારી પણ માગી છે. પ્રત્યર્પણ મળ્યા બાદ માલ્યાને આ જેલમાં રાખવાની યોજના છે.

You might also like