રિઝલ્ટના પગલે શેરમાં સ્ટોક્સ સ્પેસિફિક્સ મૂવમેન્ટ જોવાય

શેરબજાર ગઇ કાલે છેલ્લે સાધારણ ઘટાડે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૬.૭૮ પોઇન્ટને ઘટાડે ૩૬,૫૪૧.૬૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૪.૩૦ પોઇન્ટને ઘટાડે ૧૧,૦૧૮.૯૦ પોઇન્ટને મથાળે બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૨.૪૮ ટકાનો સુધારો નોંધાયો હતો.

જ્યારે નિફ્ટીમાં ૨.૨૯ ટકાનો વધારો જોવાયો હતો.આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના અપેક્ષા કરતાં સારાં પરિણામ તથા વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવાયેલ ઘટાડાના પગલે વૈશ્વિક સહિત સ્થાનિક શેરબજારમાં તોફાની સુધારાની ચાલ જોવા મળી હતી. ચાલુ સપ્તાહે ગુરુવારે સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ ૩૬,૫૪૮ની સપાટીએ બંધ જોવાયો હતો.

ગઇ કાલે ઇન્ફોસિસે જાહેર કરેલા પરિણામમાં ૧ઃ૧ બોનસની જાહેરાત કરી છે. સારા પરિણામનાં પગલે આગામી સપ્તાહે શરૂઆતે આ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ દબાયેલા છે ત્યારે તેની સકારાત્મક અસર શેરબજાર ઉપર નોંધાઇ શકે છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લે નિફ્ટી ૧૧ હજારની ઉપર બંધ આવી છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. સેન્ટિમેન્ટ જોતાં બજારમાં આગામી સપ્તાહે મોટો ઘટાડો જોવાય તેવી શક્યતા ઓછી છે. નોંધનીય છે કે ચાલુ સપ્તાહમાં પીએસયુ બેન્કમાં વેચવાલી જોવા મળી છે.

દરમિયાન એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વની ચાલુ મહિનાના અંતે બેઠક મળી રહી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો થાય તેવી શક્યતા વધુ છે.આમ, આગામી સપ્તાહમાં શેરબજારમાં ‘સ્ટેડી’ ચાલ જોવા મળી શકે છે. રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. નિફ્ટીમાં ૫૦થી ૧૦૦ મૂવમેન્ટ જોવા મળી શકે છે.

આગામી સપ્તાહે સોમવારે હિંદુસ્તાન યુનિલિવર કંપનીના પરિણામ જાહેર થશે, જ્યારે મંગળવારે ક્રિસિલ, ફેડરલ બેન્ક, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ, સિન્ટેક્સ, બુધવારે બંધન બેન્ક, જેકે ટાયર, માઇન્ડ ટ્રી, એનઆઇઆઇટી ટેક્નો., આર.કોમ., અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનાં પરિણામ આવશે.

ગુરુવારે એબીબી, બજાજ ફિન સર્વ, બજાજ ફાઇનાન્સ, કોટક બેન્ક, આરબીએલ બેન્ક, જ્યારે શુક્રવારે અતુલ,બજાજ ઓટો, બજજ હોલ્ડિંગ, બાટા ઇન્ડિયા, સિયેટ, હેવલ્સ, નાલ્કો અને વિપ્રો કંપનીનાં પરિણામ જાહેર થશે. પરિણામ રોકાણકાર માટે મહત્ત્વનાં સાબિત થશે.

You might also like