મગફળીની આયાત પર વિયેતનામનો પ્રતિબંધ

મુંબઇ: ભારતમાંથી મગફળીની આયાત પર પ્રતિબંધ દૂર કર્યાના ૧૪ મહિના બાદ ફરી એક વાર મગફળીની ગુણવત્તા સંબંધે ઊભા થયેલા પ્રશ્નને લઇને વિયેતનામે આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. એગ્રિકલ્ચર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી-અપેડા સાથે રજિસ્ટર્ડ ભારતના કુલ એગ્રિ બિઝનેસમાં મગફળીનો હિસ્સો પાંચ ટકાની આસપાસ છે. આ પ્રકારનાે પ્રતિબંધ વિયેતનામ સરકારે વર્ષ ૨૦૧૫માં લગાવ્યો હતો.

અપેડાના ડેટા મુજબ ભારત દર વર્ષે એક અંદાજ મુજબ પાંચથી સાત લાખ ટન મગફળીની નિકાસ કરે છે. એપ્રિલ ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ની વચ્ચે મગફળીની નિકાસ પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૨૯.૫૮ ટકાનો વધારો નોંધાયો છે.

દુનિયાના કેટલાય દેશોમાં ભારતીય મગફળીની માગમાં વધારો નોંધાયો છે. ડેટા મુજબ એપ્રિલ ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં મગફળીની નિકાસ ૫,૭૪,૨૩૦ ટનની રહી હતી. આ પ્રતિબંધના કારણે વિયેતનામમાં ભારતમાંથી આયાત થતી અન્ય એગ્રી પ્રોડક્ટ ઉપર પણ નકારાત્મક અસર પડી શકે છે. આ પ્રતિબંધના કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સંદેશ ગયો છે તેવું સ્થાનિક નિકાસકારોનું કહેવું છે.
http://sambhaavnews.com/

You might also like