કલાકારમાં કલા નેચરલી હોય છેઃ વિદ્યા

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સોશિયલ મીડિયા ઘૂસી ચૂક્યું છે. બોલિવૂડ સ્ટાર પણ તેની પહોંચથી દૂર રહી શક્યા નથી, પરંતુ હજુ પણ ઘણા એવા સ્ટાર છે કે જે સોશિયલ મીડિયાથી દૂર રહેવા ઇચ્છે છે, તેમાં કેટલાક એવા નામી સ્ટાર છે, જે પોતાના નજીકના લોકોના દબાણના કારણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. આમાંની એક છે વિદ્યા બાલન. વિદ્યા બાલન હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ ચૂકી છે, પરંતુ ૨૪ કલાકમાંથી તે માત્ર પાંચ-દશ મિનિટ જ સોશિયલ મીડિયા પર રહે છે, તેમાં પણ તે મોટા ભાગે ઇન્સ્ટાગ્રામને મહત્ત્વ આપે છે, કેમ કે તેને તસવીરો ખેંચવી ગમે છે. રહી વાત ટ્વિટરની તો વિદ્યાને શિરીષ કુંદરના ટ્વિટ વાંચવાં ગમે છે.

‘કહાની’ અને ‘ડર્ટી પિક્ચર’ જેવી મહિલા કેન્દ્રિત ફિલ્મોથી એક અલગ ઓળખ બનાવનાર વિદ્યા માને છે કે એક કલાકારમાં કેટલીક ક્વોલિટી નેચરલ હોય છે. તેની એક્ટિંગ કોઇ ને કોઇ રૂપમાં બહાર આવી જાય છે. ફિલ્મ ‘કહાની’માં ગર્ભવતી મહિલાની ભૂમિકાને યાદ કરતાં વિદ્યા કહે છે કે હું ઝેવિયર્સ કોલેજની વિદ્યાર્થિની હતી. ચેમ્બુરથી વી.ટી. અમે ટ્રેનમાં સફર કરતાં હતાં. અમારા ગ્રૂપની કેટલીક છોકરીઓ ખૂબ જ નાટક કરતી, તેમાંની એક હું પણ હતી. અમે ટ્રેનમાં અલગ અલગ મસ્તી કરતાં. ક્યારેક અમે બહુ થાકેલાં હોઇએ તો સીટ મેળવવા માટે પ્રેગ્નન્ટ હોવાની એક્ટિંગ કરતાં અને ત્યારે મને સીટ પણ મળી જતી. •
http://sambhaavnews.com/

You might also like