કિસ્મત જાતે જ લખવાની હોય છેઃ વિદ્યા બાલન

શ્રેષ્ઠ અને સહજ એક્ટિંગથી બોલિવૂડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવનારી વિદ્યા બાલન ઇન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવી શકે છે. તેણે એ વાતને સાબિત કરી છે કે જો કામનું ઝનૂન અને સખત મહેનત કરતાં આવડે તો તમે તમારી કિસ્મત જાતે લખી શકો છો. તામિલ પરિવારમાં જન્મેલી વિદ્યા માધુરી દીક્ષિત અને શબાના આઝમીને જોઇને મોટી થઇ છે. બાળપણથી તેમને જોતાં જોતાં જ આગળ જઇને સિનેમાજગત સાથે જોડાવવાનું મન કરી લીધું. ૧૬ વર્ષની ઉંમરમાં તેણે એકતા કપૂરના ટેલિવિઝન શો ‘હમ પાંચ’માં કામ કર્યું, પરંતુ તે ફિલ્મોમાં કરિયર બનાવવા ઇચ્છતી હતી. તેનાં માતા-પિતાએ તેના અા નિર્ણયને સમર્થન આપ્યું અને સાથેસાથે અભ્યાસ પૂર્ણ કરવાની શરત પણ મૂકી.
વિદ્યાએ સેન્ટ ઝેવિયર્સ કોલેજથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી. ત્યારબાદ મુંબઇ યુનિવર્સિટીથી માસ્ટરની ડિગ્રી પણ લીધી. વિદ્યા માટે ફિલ્મોમાં કરિયર બનાવવાની રાહ આસાન ન હતી. મલયાલમ અને તામિલ ફિલ્મજગતમાં અનેક પ્રયાસો બાદ તે નિષ્ફળ રહી. વિદ્યાને બાંગ્લા ફિલ્મ ‘ભાલો થેકો’થી ઓળખ મળી. આ ફિલ્મમાં ભજવેલા પાત્ર માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો આનંદલોક પુરસ્કાર મળ્યો. બોલિવૂડમાં તેણે ‘પરિણીતા’ ફિલ્મથી પગ મૂક્યો. આ ફિલ્મમાં તેને પોતાના અભિનયના દમ પર સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. ત્યારબાદ ‘લગે રહો મુન્નાભાઇ’, ‘ગુરુ’, ‘સલામે ઇશ્ક’ જેવી ઘણી ફિલ્મો કરી, પરંતુ લોકોએ તેને ખાસ પસંદ ન કરી. ૨૦૦૭માં આવેલી ‘ભુલભુલૈયા’ તેની કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની. ત્યારબાદ ‘પા’ અને ‘ઇશ્કિયા’ ફિલ્મે તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાવ્યો. ૨૦૧૧માં ‘ધ ડર્ટી પિક્ચર’ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો. ‘કહાની’ ફિલ્મે પણ તેની કરિયરમાં એક મોરપિચ્છનો ઉમેરો કર્યો. લોકોએ ઘણી વાર વજનને લઇને તેની ટીકા પણ કરી, પરંતુ તે આવી બધી બાબતોમાં પડતી નથી. તે પોતાનું ભાગ્ય જાતે જ લખવામાં વિશ્વાસ ધરાવે છે. •

You might also like