મને માત્ર અભિનયની ભૂખ છેઃ વિદ્યા બાલન

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર મહિલા કેન્દ્રિત ફિલ્મોનો ટ્રેન્ડ લઇને આવનાર વિદ્યા બાલનની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી સુપરડુપર હિટ રહી શકી નથી. કરિયરને શું ફરી વખત શરૂ કરવાની જરૂરિયાત લાગે છે? એવા સવાલના જવાબમાં વિદ્યા કહે છે કે દરેક ફિલ્મની સાથે તમારી સાથે એક આશા હોય છે, પરંતુ દરેક ફિલ્મની પોતાની એક કિસ્મત હોય છે. આ જ કારણ છે કે હું હિટ અને ફ્લોપને કરિયરનો હિસ્સો માનું છું. એવું શક્ય નથી કે ફિલ્મો માત્ર હિટ કે માત્ર ફ્લોપ જ થાય. હું કોઇ એક ફિલ્મને સફળ કે િનષ્ફળ હોવાને લઇને ચિંતિત રહેતી નથી, જોકે મને આશા છે કે મારી આગામી ફિલ્મ ‘બેગમજાન’ સારું પર્ફોર્મન્સ કરશે. મેં આ ફિલ્મમાં મારો બેસ્ટ અભિનય કર્યો છે. મને ફિલ્મને લઇને ઘણી આશાઓ છે.

એવું સાંભળવા મળ્યું છે કે ‘કહાની-૩’ પણ આવી શકે છે, પરંતુ આ અંગે વિદ્યાએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો. તે કહે છે કે હાલમાં હું તે વિશે કંઇ પણ નહીં કહી શકું. તેનું મુખ્ય કારણ એ છે કે હું ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલી નથી. આ અંગે પેન કંપની અને સુજોય નિર્ણય લેશે, તેમાં પણ ટ્વિસ્ટ હશે, તેની હીરોઇન પણ એટલી જ સ્ટ્રોંગ હશે તેમાં કોઇ બેમત નથી. ઓનસ્ક્રીન મોટા બાળકની માતા બનવું અભિનેત્રીઓને પસંદ પડતું હોતું નથી, પરંતુ વિદ્યાએ તેવા ચેલેન્જિંગ રોલ પણ સ્વીકાર્યા છે. તે કહે છે કે ‘પા’ ફિલ્મમાં હું અમિતાભ બચ્ચનની માતા બની હતી. તેની ઉંમર ૧૩ વર્ષની બતાવાઇ હતી. આ ફિલ્મને દરેક વર્ગે સ્વીકારી હતી. મને પાત્રની લાલચ હોય છે, જે મને નિભાવવા મળે. ઓનસ્ક્રીન માતા બનવું પણ એક ચેલેન્જ હોય છે. કદાચ સમય અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે બદલાઇ રહી છે. મને અભિનયની ભૂખ છે. ભલે તે પાત્ર માતાનું હોય કે ઉંમરલાયક મહિલાનું. •
http://sambhaavnews.com/

You might also like