બગદાદીનો વી‌ડિયો અમેરિકા સહિત સમગ્ર દુનિયાને નવો પડકાર

મેરિકાએ જેની કમર તોડી નાખવાનો દાવો કર્યો હતો તે સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસના વડા અબુ બકર બગદાદીએ ફરી વીડિયોના માધ્યમથી દેખાયો છે. બગદાદી અમેરિકાના હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાની અવારનવાર ઊઠી રહેલી અટકળોનો અંત આવ્યો છે. શ્રીલંકામાં થયેલા ભયાનક આતંકી હુમલાની જવાબદારી આઇએસએ લીધી છે.

બગદાદીએ તેના ૧૮ મિનિટનાં વી‌ડિયોમાં શ્રીલંકામાં થયેલાં બોમ્બ બ્લાસ્ટ બદલ આઇએસની પ્રશંસા કરી છે. બગદાદીનો વીડિયો આ પહેલાં છેલ્લે ર૦૧૪માં આવ્યો હતો. જેમાં તે ઇરાકનાં શહેર મોસુલમાં દેખાય છે. આ વી‌ડિયોમાં તેણે પોતાને ખલિફા જાહેર કર્યો હતો. જો કે તે પછી અમેરિકા અને મિત્ર દેશોએ આઇએસ પર જબરદસ્ત હુમલા શરૂ કર્યા હતા.

ઇરાક અને સિરિયામાં આઇએસના એક પછી એક ગઢનાં કાંગરા ખરતા ગયા. બગદાદી માર્યો ગયો દોવાની કે ગંભીર રીતે ઘાયલ થયાની વાતો પણ બહાર આવતી રહી. ખુદ અમેરિકાનાં ટોચનાં અધિકારીઓએ અગાઉ તે માર્યો ગયો હોવાની ઠોસ આશંકા વ્યક્ત કરી હતી. જોકે તાજેતરના વી‌ડિયોએ પુરવાર કર્યું છે કે બગદાદી હજુ જીવે છે અને સક્રિય છે.

બગદાદીનો નવો વી‌ડિયો કયાં અને કયારે શૂટ કરાયો તે કોઇ જાણતું નથી, પરંતુ તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકાએ થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે આઇએસનો ખાતમો બોલી ગયો છે. પરંતુ બગદાદીના નવા વી‌ડિયોથી એટલું તો કહી શકાય કે તાકાત ભલે ગમે તેટલી ઓછી થઇ હોય પરંતુ આઇએસ હજુ ખતમ નથી થયું. કેટલાક જાણકારોના મતે આઇએસ ફરી બેઠું થઇ રહ્યું હોય તેવી પણ શકયતા છે.

મહત્વની વાત એ છે કે દુનિયાભરમાં જોહાદ કરીને ઇસ્લામનું શાસન સ્થાપવાનો આઇએસનો મૂળ ધ્યેય હજુ જીવિત છે અને તે જ દુનિયા માટે ખતરા સમાન છે. ચોક્કસપણે વી‌ડિયો જાહેર કરવા પાછળ બગદાદીનો હેતું આઈએસનો હેતુ દુનિયાભરમાં ફેલાયેલા તેના તમામ પ્રકારના લાખો સમર્થકોને સંદેશો આપવાનો છે કે જેહાદ હજુ ચાલુ જ છે અને આઇએસ પણ હજુ મજબૂત છે.

એનો અર્થ એ થાય કે આતંકવાદી હુમલાઓના જોખમને લઈને વિશ્વને હજુ સાવચેત રહેવાની જરૂર છે. વાત માત્ર આતંકી હુમલાની નથી.શ્રીલંકામાં થયેલા ભયાનક આતંકી હુમલાને આઇએસ સિરિયામાં મળેલી હારના બદલા તરીકે ઓળખાવે છે. ઇસ્લામ ધર્મને બદનામ કરતી આ વિકૃત વિચારધારા હજુ જીવંત છે અને મોટી સંખ્યામાં મુસ્લિમો તેમાં વિશ્વાસ કરે છે તે મોટી ચિંતાની વાત છે.

પાકિસ્તાન જેવા દેશોમાં તો લાખો લોકો એવા છે જ સીધી રીતે આતંકી હુમલાઓમાં સંડોવાયેલા નથી પરંતુ તેની વિચારધારાને તમામ રીતે સમર્થન કરે છે. આઇએસ સહિતનાં આતંકી સંગઠનોએ સેંકડો યુવાઓનાં બ્રેઇનવોશ કરીને તેમને જેહાદ માટે તૈયાર કર્યા છે. વાત માત્ર તેની સંખ્યાની નથી.આતંકી સંગઠનોએ જેહાદનું ઝેર પીવડાવી તૈયાર કરેલા યુવાનો ફિદાઇન હુમલા માટે હંમેશાં તૈયાર હોય છે.

૧૪૦૦ વર્ષનાં ઇતિહાસમાં આઇએસ સહિતના સંગઠનોના કટ્ટરવાદી તત્વોએ ઇસ્લામની વિકૃત કરેલી છબી દુનિયાભરમાં રજૂ કરી છે. દુનિયામાં મુસ્લિમોની વસ્તીની સરખામણીએ આવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. તેમ છતાં તેમણે તમામ દેશોના મુસ્લિમોને વિકટ પરિસ્થિતિમાં મુકી દીધા છે. શ્રીલંકામાં અત્યારે મુસ્તિમો સામે આશંકાની નજરે જોવાય છે અને તે સ્વાભાવિક પણ છે.

ઇસ્લામિક આતંકી સંગઠનોથી જેટલું મુસ્લિમો અને મુસ્લિમ દેશોને જેટલું નુકસાન થયું છે તેટલું અન્ય કોઇ દેશ કે ધર્મના લોકોને થયું નથી. ઇસ્લામિક આતંકવાદે અનેક મુસ્લિમ દેશોને તબાહ કર્યા છે અને લાખો મુસ્લિમોને મોતને ઘાટ ઉતાર્યા છે. તેનાં કારણે મુસ્લિમ નથી તેવાં દેશોમાં રહેતા કરોડો મુસલમાનોને ઘણી બધી રીતે સહન કરવાનું આવે છે. તેની કોઇ પરવા જેહાદીઓ અને તેના સમર્થકોને નથી.

You might also like