પૂજારીની પહેલ: દલિત ભક્તને ખભા પર ઉઠાવી મંદિરમાં લઇ જતો VIDEO થયો વાયરલ

દેશભરમાં ઘણીવાર દલિત અત્યાચારના મુદ્દે અવાજ ઉઠાવવામાં આવે છે. તો બીજીબાજુ દલિત અત્યાચારના મુદ્દે રાજકારણીઓ રાજકીય રોટલા શેકતા થયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હૈદરાબાદના શ્રીરંગનાથ મંદિરનો વીડિયો. જ્યાં પૂજારીએ દલિત ભક્તને ખભા પર બેસાડી મંદિરમાં પ્રવેશ કરાવ્યો. આ સાથે સમાજમાં ભાઈચારાનો સંદેશ આપ્યો છે. ત્યારે એક નજર કરીએ આ અહેવાલ પર.

ભારત એક એવો દેશ છે કે જ્યાં દરેક જાતિ, ધર્મ અને પંથના લોકો એકસાથે સંપીને રહે છે. પરંતુ અમુક તત્વો એવા હોય છે કે જેઓ આ દેશની શાંતિને ડહોળતા હોય છે. અને જાતપાતના નામે રાજકીય રોટલા શેકતા હોય છે. અને નેતા બની ગયા બાદ પોતાના જ સમાજને ભૂલી જતા હોય છે.

ત્યારે હૈદરાબાદના મંદિરમાં એક એવી ઘટના બની કે જેણે દેશભરના લોકોને ફરી એ મહાન ભારતના દર્શન કરાવ્યા. જે ભારતે વિશ્વને વસુધૈવ કુટુમ્બકમનો સંદેશ આપ્યો. જીહા, આ છે હૈદરાબાદનું શ્રી રંગનાથ મંદિર.

હૈદરાબાદના ચિલ્કૂર બાલાજી મંદિરના પૂજારી સીએસ રંગરાજને એક દલિત ભક્ત આદિત્ય પારાસરીને ખભે બેસાડી મંદિરમાં પ્રવેસ કરાવ્યો. તેમજ દલિત સમાજ સાથે થતા ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કર્યો.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પૂજારી આદિત્યને ખભે ઉઠાવીને લઈ જાય છે. ત્યારે આસપાસ અન્ય પૂજારીઓ તેમજ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. જે બાદ આદિત્યને મંદિરમાં વિધિવત પ્રવેશ કરાવવામાં આવે છે. આ બાબતે સીએસ રંગરાજનનું માનવું છે કે દેશભરમાં દરેક સમાજ એકસાથે રહે તેજ આ કાર્યનો હેતુ છે. તો બીજીબાજુ આ પૂજાવિધિ બાદ દલિતો પર અત્યાચાર મુદ્દે રાજનીતિ કરનારા નેતાઓને પણ એક સંદેશો મળ્યો છે.

આમ ભારતમાં જ્યારે ચોતરફ અસામાજિક વાતાવરણ હોય, ઠેર ઠેર જાતપાતના ભેદભાવ ઉઠા કરવાનો પ્રયાસ થાય છે. ત્યારે એક કામ એવું પણ થાય છે કે જે આ તમામ નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે. આ પૂજારીએ કરોડો લોકોને પ્રેરણા આપી છે.. અને આજ ભારત છે. આજ ભારતનો સાચો સંદેશ છે.

You might also like