સંતાન સામે હારી જવાની શરૂઆત

ઊંચા મધ્યમ વર્ગનું એક નાનકડું કુટુંબ છે. પતિ-પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ચૌદ વર્ષનો અને પુત્રી અગિયાર વર્ષની છે. અગિયાર વર્ષની પુત્રી વિશે કંઈ ફરિયાદ નથી, પણ ચૌદ વર્ષનો પુત્ર એક સમસ્યા બની ગયો છે. પુત્રની હરકતોએ માબાપની ઊંઘ હરામ કરી દીધી છે. બીજી બધી વાતે સુખ છે તેથી આ પુત્રની પીડા વિશેષ ઉપદ્રવકારી લાગે છે. પુત્રનો શારીરિક વિકાસ બરાબર છે, પણ તેના માનસિક વિકાસમાં કંઈક ખામી છે. છોકરો ‘હિંસક’ બની ગયો છે. માતા-પિતા ઉપર પણ હુમલો કરે છે. કેટલાક દાક્તરોનું નિદાન એવું છે કે, આ છોકરો મંદબુદ્ધિનો છે. અત્યારે અભ્યાસ કરતો નથી, પણ મંદબુદ્ધિના આ બાળકની જે કંઈ સારવાર કરવામાં આવી તે અસરકારક નીવડી નથી. દાક્તરો તેના જ્ઞાનતંતુઓને શાતા વળે ને ઘેનમાં રહે તેવી જ દવાઓ આપે છે, છતાં એ દવાઓ પણ બાળક પર ખાસ અસર કરતી નથી. આ છોકરાને લીધે ઘરમાં સતત ભયનું વાતાવરણ રહે છે. બાળકને કેમ કરીને અંકુશમાં લેવો એ મા-બાપ માટે એક સમસ્યા થઈ પડી છે.
આ બાળકની માતાએ કહ્યું : ‘કોઈ ડૉક્ટર આ છોકરો ગાંડો છે તેવું પ્રમાણપત્ર આપવા તૈયાર નથી. ડૉક્ટરોના મતે તે બેકાબૂ અને હિંસક જરૂર છે, પણ ગાંડો નથી. છોકરો ગાંડો છે તેવું પ્રમાણપત્ર મળે તો તેને ક્યાંક પાગલખાનામાં મૂકી આવીએ! બાળક માટે અત્યંત પ્રેમ છે પણ શું કરીએ? કાં તો ભગવાન તેને સાજોનરવો કરી દે અને કાં તો પછી તેને ઉપાડી લે તો અમારો છુટકારો થાય! જ્યોતિષીઓને મળીને પણ થાક્યા. સવા લાખ જાપ રાહુના કરાવી ચૂક્યા છે. હવે રસ્તો સૂઝતો નથી. આ છોકરાને કોઈ લઈ જાય, તેને રાખે, તે શાંત રહે એટલું જ કરે તોપણ ઘણું! આવો કોઈ માણસ મળી આવે તો તેને માસિક ખર્ચ અને મહેનતાણું પણ આપીએ! પણ આ નિરંકુશ બાળકને કોણ રાખે?’

અસહાય અવાજે આવું બધું માતાએ કહ્યું. વાત તો સાચી છે. પોતાના જ રુધિરમાંસમાંથી બનેલા બાળકને જ્યારે મા-બાપ જ વેઠી શકે તેમ ન હોય, સંઘરી શકતાં ન હોય ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ તો આવી જવાબદારી ઉઠાવવા તૈયાર થાય જ ક્યાંથી? મા-બાપ બાળકને ચાહે છે તેમાં શંકા જ નથી, પણ આજે તો આ સંતાન તેમને માટે એક સંતાપનું મોટું કારણ બની બેઠું છે. આથી તેઓ છુટકારો ઇચ્છે છે, પણ આવી બાબતોમાં છુટકારો મેળવવાનું એમ સહેલું હોતું નથી. મંદબુદ્ધિનાં કેટલાંક બાળકો જોયાં છે, પણ તે શાંત અને નિષ્ક્રિય હતાં. ઘણા ભાગે માનસિક ખામીવાળાં બાળકો આવી હરકતો નથી કરતાં. આ બાળકનું વર્તન તો જાણે કોઈ જંગલી પ્રાણી જેવું છે. માએ કહ્યું કે, જાણે અમારા જ ઘરમાં કોઈ વરુ સાથે ભયભીત સ્થિતિમાં જીવીએ છીએ. થોડા વખત પહેલાં છોકરાએ તેના પિતાને પણ બચકું ભરી લીધું હતું! તેને સાંકળથી બાંધી શકાય તેવું નથી. આવો પ્રયાસ કરીએ તો તે વધુ તોફાન કરે છે અને બૂમાબૂમ કરે છે.

આ બાળકનો તો એક અલગ કિસ્સો છે, પણ મંદ બુદ્ધિનાં ન હોય, ‘નોર્મલ’ હોય તેવાં બાળકોના નિરંકુશ વર્તનની ફરિયાદ કરનારાં મા-બાપોની સંખ્યા નાનીસૂની નથી. આવાં મા-બાપો પોતાનું બાળક હલકું પડી જવાની બીકે કે પોતાનું ખરાબ દેખાવાની બીકે ક્યાંય ફરિયાદ કરતાં નથી, પણ તેમના અંતરમાં એક અજંપો, એક સંતાપ હોય છે. એક જમાનો એવો હતો જ્યારે બાળક માટે પિતા એક શિસ્તપ્રેરક બળ હતું. પિતા કડક ન હોય તોપણ બાળક તેની આમન્યા જાળવતું. મા ગમે તેવી દુર્બળ, અશક્ત કે અભણ હોય તોપણ બાળક તેનાથી ડરતું. એ ડર પ્રેમનો હતો. માણસ જેને ચાહે છે તેનાથી ડરે છે. તેની લાગણીની ખાસ પરવા કરે છે. તે નારાજ તો નહીં થાય ને? એવી સતત ચિંતા કરે છે. મા-બાપનો આવો કોઈ પ્રભાવ બાળક પર અત્યારે રહ્યો જ નથી તેમ કેમ લાગે છે? આપણે સૌ નવા જમાનાનાં મા-બાપો જૂના જમાનાનાં મા-બાપો કરતાં વધુ બુલંદ રીતે, વધુ તીવ્રપણે આપણાં સંતાનોને ચાહીએ છીએ તેવું લાગે છે તે સાચું પણ હશે. બાળકને આપણે પ્રેમ આપીએ છીએ, પણ બાળક આપણને પ્રેમ આપે એવું આપણે તેની શીખવી શક્યાં નથી. મા-બાપો બાળકને ચાહે એટલું જ બસ નથી. બાળકોમાં મા-બાપ પ્રત્યે પ્રેમ અને આદર જાગે તે ખૂબ જરૂરી છે. બાળકોના ઉછેર માટે, વિકાસ માટે મા-બાપનો પ્રેમ અનિવાર્ય છે, પણ બાળકોમાં શિસ્ત, વિવેક, મર્યાદા જન્મે તે માટે બાળકો પણ મા-બાપને પ્રેમ અને આદરથી જોતાં હોય તે એટલું જ અનિવાર્ય છે.

અત્યારે સુખી ઘરોમાં બાળકો મોંઘાં રાચરચીલા જેવાં બની ગયાં છે. તેમના લાલનપાલનમાં કે જતનમાં કોઈ કચાશ હોતી નથી. મા-બાપ જરૂર કરતાં વધુ પ્રેમ એમના પર ઢોળે છે. મા-બાપને માટે બાળકો ‘બોસ’ બની ગયાં છે. મા-બાપને ખ્યાલ નથી કે જે સિદ્ધાંત પાણીના વહેણને લાગુ પડે છે તે જ સિદ્ધાંત પ્રેમને લાગુ પડે છે. ગયેલાં પાણી ક્યાંક પાછા ફરવા જોઈએ. બાળકોને ભરપૂર સ્નેહ આપો, પણ તે પાછો પણ વળવો જોઈએ ને? તેનું પણ એક ગતિચક્ર પૂરું થાય તો જ એ જીવંત વહેણ, જીવંત વહેવાર અને અન્યોન્યને પોષક શક્તિ બને છે. નહીંતર મા-બાપના અનર્ગળ પ્રેમથી પોષાઈને બાળક જંગલી છોડની જેમ ખીલી ઊઠે છે. પણ તેને કોઈ શિસ્ત, કોઈ અદબ આવડતી નથી. પછી આવાં બાળકો કોઈક કિસ્સામાં નિરંકુશ અને રાની પશુ જેવાં ઉપદ્રવકારી લાગે છે.

You might also like