આપત્તિ કરતાં તેનો ભય વધારે ઘાતક હોય છે

એક દાક્તરે હમણાં તેમના એક ‘દર્દી’ની વાત કરી. એ દર્દીએ ફરિયાદ કરી કે, તેને ઊંઘ જ આવતી નથી. દાક્તરે પૂછ્યું કે, તમે રાતે ભોજન શું લો છો? દર્દીએ કહ્યું કે, ખાસ જમતો નથી. રાત્રે ચા પીઉં. દાક્તરે પૂછ્યું કે, કંઈ વાંચો છો? કે પછી કંઈ કામ કરો છો? દર્દીએ કહ્યું કે, વાંચતો નથી. કંઈ કામ પણ કરતો નથી. બસ, વિચાર કર્યા કરું છું. શેના વિચારો? ખાસ કંઈ નહીં, જે કંઈ વિચારો આવ્યા કરે તે!
દાક્તરને દર્દીએ વધુમાં જણાવ્યું કે, અડધી અડધી ચા પીવાનું આ ચક્ર બપોરથી શરૂ થાય છે અને અડધી રાત સુધી ચા પીવાનું આ ચક્ર ચાલ્યા કરે છે. કશા જ કામ વગર, કશા જ કારણ વગર એ ભાઈ મગજની ઘંટી ચલાવ્યા કરે છે. ઘંટીમાં ખાસ કાંઈ દળવાનું તો છે જ નહીં. ખાલી ઘંટી ચાલ્યા કરે. પછી એ ભાઈને ઊંઘ ક્યાંથી આવે? ઊંઘ તો જોઈએ છે, પણ ખોટા ઉધામામાંથી છુટાતું નથી.

આજે આપણે જોઈએ છીએ કે, માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ન બને, પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે, પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાતજાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ. તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઇલાજ દવા નથી. માણસોને આજે આપણે ‘સક્રિયતા’ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકસાન જ પહોંચાડે છે.

ચોક્કસ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કામ કરે, ગમે તેટલો શારીરિક, માનસિક શ્રમ કરે તેનો વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જ ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત પ્રાપ્ત થતું નથી.

આપણું બધું ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારની સુખસાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે, આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ કે ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે. હમણાં એક જુવાનના પિતા એક મનોચિકિત્સકને મળ્યા અને કહ્યું કે, ‘પુત્ર વારંવાર આત્મહત્યાની કોશિશ કરે છે અને અમે તેની આવી દરેક કોશિશને નિષ્ફળ કરી છે, પણ હવે કરવું શું? આ છોકરો ક્યારે શું કરે તેનું શું કહેવાય?’ મનોચિકિત્સકે એ યુવાનની સાથે વાત કરી- ‘કેમ આત્મહત્યા કરવી છે? શું થાય છે? શું મૂંઝવણ છે?’ યુવાને કહ્યું કે, ‘મને કોઈક આવતું દેખાય છે. મને કોઈક મારી ઉપર ધસી આવતું દેખાય છે. મને મારી નાખવા માટે તે આવી રહ્યો છે એટલે એ આવીને મને પતાવી દે તે પહેલાં હું જ મને ખતમ કરી નાખું!’

આ તો માનસિક રોગ હતો. મનોચિકિત્સકે એ યુવાનને તેના સ્કિઝોફ્રેનિયાની જે દવા આપવાની હતી તે આપી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રોગ એક યુવાનનો નથી, આપણા આજના યુગનો આ રોગ છે. કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ.

You might also like