વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઈચ્છતી વિદેશની કંપનીઓ અને ઇન્વેસ્ટરો સાથે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ બિઝનેસ મિ‌ટિંગ દ્વારા ઇવેન્ટનું પ્રમોશન કરવામાં આવશે અને તેમને ગુજરાત રોકાણ કરવા માટેની તમામ વિગતો સાથે માહિતગાર કરાશે.

એટલું જ નહીં વિદેશની જે તે રસ ધરાવતી કંપની કે ઇન્વેસ્ટર્સ સાથે સમિટ પુરી થયાં બાદ વિદેશી ડે‌લિગેશનને ગુજરાતમાં સ્થપાયેલી કંપનીઓનાં પ્લાન્ટ-ફેક્ટરીની વિ‌ઝિટ કરાવવામાં આવશે જેથી વિદેશી ડે‌લિગેશનને કંપનીની કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક આપવામાં આવશે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) પહેલી વખત યોજાયેલાં વાઇબ્રન્ટ ગુજરાતથી લઇને અત્યાર સુધી નેશનલ પાર્ટનર રહ્યું છે.

આ અંગે સીઆઇઆઇનાં જ્યોર્જ સ્પાર્શેએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાંથી સમિટની તૈયારી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે પહેલી વાર સમિટમાં વિદેશી કંપનીઓની સાથે ગુજરાતમાં રોકાણ કરવાની તક સાથે સ્થાનિકોને વિદેશમાં વ્યાપાર કરવાની તક વિકસાવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વિદેશથી સમિટમાં ભાગ લેવા માટે આવતા ડેલિગેશનને ગુજરાતની કંપનીઓમાં પ્લાન્ટ વિ‌ઝિટ પણ કરાવવામાં આવશે અને કંપનીની કામગીરી પ્રત્યક્ષ નિહાળવાનો મોકો મળશે.

વાઇબ્રન્ટ સમિટ ર૦૧૯નાં પ્રચાર માટે આગામી સપ્તાહથી પ્રધાનો વિવિધ રાજ્યની મુલાકાતે જશે, જ્યાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો સાથે બેઠકો અને રોડ શો પણ કરશે. પ્રધાનોની સાથે અધિકારીઓનું ડેલિગેશન પણ જોડાશે. વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સચિવ કક્ષાનાં અધિકારીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન વિવિધ દેશોની મુલાકાતે ગયાં હતાં.

હવે દેશનાં વિવિધ રાજ્યનાં રોકાણકારો, ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા તેમજ રોકાણ માટે આકર્ષવા માટે પ્રધાનમંડળનાં સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી દિવસોમાં દિલ્હી જશે. ત્યાં તેઓ વાઇબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન પણ કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બેંગલુરુની મુલાકાતે જશે.

ઊર્જા પ્રધાન સૌરભ પટેલ આગામી ૧૯-ર૦ નવેમ્બરે પુણે જશે, જ્યારે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં તેઓ હૈદરાબાદની મુલાકાત લેશે. પુણેમાં ઓટોમોબાઇલ સેક્ટરનાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે, જ્યારે હૈદરાબાદમાં ફાઇનાન્સ અને આઇટી સેક્ટર પર ફોકસ કરાશે.

You might also like