‘વાઇબ્રન્ટ ગુજરાત’નો પનો બેરોજગારી ઘટાડવામાં ટૂંકો

ગુજરાત રાજ્યમાં ધીમી ગતિએ ચાલી રહેલા બીજા તબક્કાના પાટીદાર અનામત આંદોલનનાં મૂળમાં બેરોજગારીના મુદ્દાને નકારી શકાતો નથી. રોજગારી આપવાનું ઊજળું ચિત્ર રજૂ કરનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’થી પણ પૂરતી રોજગારીની તકોનું નિર્માણ થઈ શક્યું નથી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૦૩થી શરૂ કરેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’માં સમજૂતી કરાર (એમઓયુ) કરનારા ઉદ્યોગો પણ સ્થાનિકોને રોજગારી આપવામાં ઉણા ઊતર્યા હોવાનું જણાય છે.

વાઇબ્રન્ટ સમિટમાં મસમોટા દાવા થયા હતા
૨૦૦૩માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એવો આશાવાદ વ્યક્ત કરાયો હતો કે સમિટમાં ઉદ્યોગગૃહો સાથે થયેલા સમજૂતી કરારોથી ગુજરાતમાં રોજગારીની વિપુલ તક ઊભી થશે. બાદમાં ૨૦૦૫ અને ૨૦૦૭માં યોજાયેલી સમિટ દરમિયાનનાં ભાષણોમાં પણ રોજગારી ક્ષેત્રે ગુજરાતનું ઊજળું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતને આજે ૧૪ વર્ષ થયાં છે. આ સમયગાળામાં કુલ સાત સમિટ યોજાઇ ગઈ, જેમાં અનેક ઉદ્યોગગૃહો સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા, પરંતુ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું નથી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે રોજગારી મળી જ નથી એવું બિલકુલ નથી, પરંતુ જે દરેક સમિટ વખતે રોજગારીનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેટલા પ્રમાણમાં રોજગારી આપવામાં સમજૂતી કરાર કરનાર ઉદ્યોગગૃહોએ પાછીપાની કરી છે.

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ પોલ ખોલી
તેરમી ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા આ બાબતની સાક્ષી પૂરે છે. આંકડા મુજબ ૨૦૦૩માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમજૂતી કરાર કરનાર ઉદ્યોગો પૈકી ઉત્પાદનમાં ગયેલા ઉદ્યોગોએ ૧૦૬૧૮૯ રોજગારી પૂરી પાડી છે. તે જ પ્રમાણે ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૩માં થયેલા સમજૂતી કરારમાંથી ઉત્પાદનમાં ગયેલાં ઉદ્યોગગૃહોએ અનુક્રમે ૧૪૬૬૭૩, ૨૨૧૨૩૩, ૨૦૦૨૨૦, ૨૫૭૪૨૬ અને ૯૦૩૧૬ લોકોને રોજગારી પૂરી પાડી છે. આમ, ૨૦૦૩થી ૨૦૧૩ સુધી યોજાયેલી ૬ સમિટને લીધે કુલ ૧૦૨૨૦૫૭ લોકોને રોજગારી મળી શકી છે.

સરકારી ચોપડે બેરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
બીજી તરફ સરકારી ચોપડે નોંધાતા બેરોજગારોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. ૨૦૧૧માં ગુજરાતમાં ૮૯૯૪૦૪ બેરોજગારો નોંધાયા હતા. તે જ પ્રમાણે ૨૦૧૨માં ૮૭૬૯૫૨, ૨૦૧૩માં ૭૭૮૩૪૬, ૨૦૧૪માં ૭૩૯૬૧૫ અને ૨૦૧૫માં ૬૭૭૪૪૮ બેરોજગારો નોંધાયા હતા. આમ, ૨૦૧૧થી ૨૦૧૫ સુધીનાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારના ચોપડે કુલ ૩૯૭૧૭૬૫ બેરોજગારો નોંધાયા છે. સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારો કરતાં ન નોંધાયેલા બેરોજગારોની સંખ્યા વધુ હોવાનો સ્વીકાર ખુદ રોજગાર નિયામકની કચેરીનાં સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમજૂતી કરાર કરવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનારા મોટાભાગનાં ઉદ્યોગગૃહોએ પછીથી કરેલી પીછેહઠને કારણે પ્રમાણમાં પૂરતી રોજગારીની તક ઉપલબ્ધ થઈ શકી નથી. જેના કારણે જ રાજ્યમાં આજે શિક્ષિત બેરોજગારોનું મોટું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં યોજાયેલી છેલ્લી ૬ ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ના વિગતવાર આંકડા ચકાસીએ તો ૨૦૦૩માં યોજાયેલી પ્રથમ સમિટમાં અંદાજે રૂપિયા ૬૬૦૦૦ કરોડના મૂડીરોકાણની આશાએ ૮૦ ઉદ્યોગગૃહો સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. જોકે તેમાંથી માત્ર ૨૧ ઉદ્યોગગૃહો જ ઉત્પાદનમાં ગયાં છે. આ ઉદ્યોગોએ ૧૨૫૩૭૯ લોકોને રોજગારી આપી, જેમાં ૧૦૬૧૮૯ સ્થાનિક લોકો સામેલ હતા. ૨૦૦૫ની સમિટમાં રૂપિયા ૧.૦૬ લાખ કરોડના મૂડીરોકાણની આશાએ ૨૨૭ સમજૂતી કરાર કરાયા હતા, જેમાંથી માત્ર ૪૩ ઉદ્યોગગૃહો જ ઉત્પાદનમાં ગયાં. જેના દ્વારા ૧૪૬૬૭૩ સ્થાનિક લોકો સહિત ૧૬૬૨૬૦ લોકોને રોજગારી મળી હતી.

૨૦૦૭ની સમિટમાં રૂપિયા ૪.૬૪ લાખ કરોડના મૂડીરોકાણ માટે ૪૫૪ સમજૂતી કરાર થયા હતા, પરંતુ માત્ર ૬૪ ઉદ્યોગગૃહ જ ઉત્પાદનમાં જતાં ૨૨૧૨૩૩ સ્થાનિક લોકો સહિત ૨૫૨૧૬૨ને રોજગારી મળી હતી. ૨૦૦૯ની સમિટમાં રૂપિયા ૧૨.૪૦ લાખ કરોડના મૂડીરોકાણની આશાએ ૮૬૬૦ સમજૂતી કરારમાંથી માત્ર ૧૬૭ ઉદ્યોગગૃહો જ ઉત્પાદનમાં જતાં ૨૦૦૨૨૦ સ્થાનિકો સહિત ૨૧૯૫૭૪ લોકોને રોજગારી મળી હતી. ૨૦૧૧ની સમિટમાં રૂપિયા ૨૦.૮૩ લાખ કરોડના અંદાજિત મૂડીરોકાણ માટે ૮૩૮૦ જેટલા સમજૂતી કરાર થયા હતા, પરંતુ માત્ર ૩૯૮ ઉદ્યોગગૃહ જ ઉત્પાદનમાં જતાં ૨૫૭૪૨૬ સ્થાનિક લોકો સહિત ૨૭૬૦૫૧ લોકોને રોજગારી મળી હતી.

તે જ રીતે ૨૦૧૩ની સમિટમાં રૂપિયા ૧૦ લાખ કરોડના અંદાજિત મૂડીરોકાણ માટે ૧૭૭૧૯ સમજૂતી કરાર કરાયા હતા, પરંતુ તેમાંથી પણ માત્ર ૩૬૪ ઉદ્યોગગૃહ જ ઉત્પાદનમાં જતાં ૯૦૩૧૬ સ્થાનિકો સહિત ૯૭૭૯૬ લોકોને રોજગારી મળી હતી. વાઇબ્રન્ટ સમિટમાં રોકાણ અને રોજગારી આપવાના મસમોટા આંકડા જાહેર કરવા સાથે સમજૂતી કરાર કરવામાં માહેર મોટાભાગનાં ઉદ્યોગગૃહોએ પાછળથી પીછેહઠ કરી છે.

વાઇબ્રન્ટ સમિટને લીધે રોજગારી અપાઈ પણ બેરોજગારો પણ વધતા રહ્યા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થતાં સમજૂતી કરાર અને તે પૈકી ઉત્પાદનમાં જતા ઉદ્યોગો દ્વારા સ્થાનિક લોકોને આપવામાં આવતી રોજગારીના આંકડા અને રાજ્ય સરકારના ચોપડે નોંધાયેલા બેરોજગારોના આંકડાની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટ જણાય છે કે છેલ્લી ૬ સમિટના કારણે વર્ષ ૨૦૧૧માં કુલ ૧૯૪૮૯૬ સ્થાનિક લોકોને રોજગારી મળી છે, જેની સામે ૨૦૧૧માં કુલ ૮૯૯૪૦૪ બેરોજગારો નોંધાયા છે.

તે જ ૨૦૧૨માં ૧૯૪૦૦૯, ૨૦૧૩માં ૨૪૮૨૦૭, ર૦૧૪માં ૨૫૩૭૮૭ લોકોને રોજગારી મળી છે. જેની સામે આ જ વર્ષોમાં અનુક્રમે ૮૭૬૯૫૨, ૭૭૮૩૪૬ અને ૭૩૯૬૧૫ બેરોજગારો નોંધાયા છે અને વર્ષ ૨૦૧૫માં પણ ૬૭૭૪૪૮ બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે. આમ, કુલ છ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ૧૦૨૨૦૫૭ સ્થાનિક લોકોને રોજગારી અપાઈ છે, પરંતુ આ આંકડો બેરોજગારીને નાબૂદ કરવામાં ઘણો જ ઓછો હોવાનું જણાઈ આવે છે.

મહત્ત્વનું એ છે કે સમિટમાં સરકાર સાથે સમજૂતી કરાર કરતી વખતે ઉદ્યોગગૃહો દ્વારા રોકાણ કરવાની સાથેસાથે રોજગારી આપવા માટે મોટા આંકડા જાહેર કરવામાં આવે છે, પરંતુ પછી મોટાભાગનાં ઉદ્યોગગૃહો ઉત્પાદનમાં જતાં ન હોઈ પૂરતી રોજગારી ઉપલબ્ધ બનતી નથી. આથી જ ગુજરાત રાજ્યમાં આજે શિક્ષિત બેરોજગારોનું મોટું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને તેથી જ અનામત જેવા મુદ્દાને હવા મળી રહી છે.

હીરેન રાજ્યગુરુ

You might also like