વાઇબ્રન્ટ ગુજરાત સમિટને બર્ડ ફલૂનું સંકટ નડશે?

અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૭નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમિ‌ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બર્ડ ફલૂના સંકટે સરકારીતંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. બર્ડ ફલૂ પો‌િઝ‌િટવ હોવાના સમાચારે આયોજકોમાં ફફડાટ ફેલાવ્યો છે. વિદેશથી મોટી સંખ્યામાં સમિટમાં હાજરી આપવા મહાનુભાવો આવી રહ્યા છે ત્યારે સમિટ દરમિયાન બર્ડફલૂના સંકટને ટાળવા ગઇ કાલે યોજાયેલી કેબિનેટ મિટિંગમાં આ મુદ્દો મુખ્ય સ્થાને રહ્યો હતો.

વિદેશથી આવતા મહેમાનોના આગમન પૂર્વે જે તે સ્થળની સલામતી બાબતે તેમની એડ્વાઇઝરી તેમને સૂચન કરે છે. હાલમાં ફેલાઇ ચૂકેલા બર્ડ ફલૂના સમાચારના કારણે વિદેશી મહાનુભાવો સમિટમાં હાજરી આપવા આવશે કે કેમ તે બાબતે તંત્ર અસમંજસમાં છે. જોકે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા ઇમર્જન્સી રિસપોન્સ ટીમ બનાવાઇ છે. દિલ્હીથી ડોકટરોની એક ટીમ પણ આ માટે આવી ચૂકી છે.

ગાંધીનગરમાં મચ્છરનાં બ્રીડિંગ મળી આવતાં દોડધામ થઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહાત્મા મંદિર પરિસરની દીવાલને અડીને નીકળતી માઇનોર ગટરની ચેનલમાં ક્યુલેક્સ મચ્છરનું બ્રીડિંગ મળી આવતાં તંત્ર ટેમીફોસ દવાનો છંટકાવ કરવામાં વ્યસ્ત રહ્યું હતું. ક્યુલેક્સ મચ્છરના ડંખ પીડાકારી બની રહે છે. આ સિઝનમાં સૌથી વધુ ક્યુલેક્સ મચ્છરનો ઉપદ્રવ રહે છે.

બર્ડ ફલૂના ફફડાટે વાઇબ્રન્ટ સમિટ પૂર્વે ૧પ૦૦નો સ્ટાફ કામે લગાડાયો છે. પાટનગર આસપાસના દરેક ગામની વ્યક્તિના આરોગ્યની તપાસ થઇ રહી છે. ઇન્ફલૂએન્જાનાં લક્ષણોની ખાસ તપાસ કરવા ઉપરાંત ગાંધીનગરમાં ૯૪ર૬૭ પ૯૩૮૮ ઇમર્જન્સી નંબર જાહેર કરાયો છે. એકસાથે ૯૦ દર્દીની સારવાર કરી શકાય તેવી ૧૧ ડોક્ટરની ટીમ રાઉન્ડ ધ કલોક કામ કરશે.

મેનુ પણ બદલાશે
વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપનાર મહેમાનોની ભોજન વ્યવસ્થા માટે ખાસ ડોમ, હોલ અને ઓપન હાટ ઉપરાંત ૮ ડાઇ‌િનંગ હોલ બનાવાયા છે. નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સ સહિતની રર એજન્સી દ્વારા ફૂડ ઝોનમાં મોક ડ્રિલ યોજાઇ રહી છે એટલું જ નહીં બર્ડ ફલૂની આશંકાના પગલે હવે ભોજનના મેનુમાં મોટો બદલાવ આવે તેવી શકયતા છે.

પી.એમ. મોદી ૧૦મીએ ગોલ્ડ વિભાગમાં લંચ લેશે
૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા આવી રહ્યા છે. ૧૦ જાન્યુઆરીએ તેઓ વીવીઆઇપી માટે ભોજન વ્યવસ્થા કરાઇ છે તે ગોલ્ડ વિભાગમાં રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે લંચ લેશે, જેનું મેનુ સંપૂર્ણપણે શાકાહારી હશે.

ઇંડાં-મચ્છી પાઉડર પ્લાન્ટ એમઓયુમાંથી બહાર
આગામી સમિટમાં ઇંડા અને મચ્છીના પાઉડરના પ્લાન્ટ શરૂ કરવા બાબતે એમઓયુ થવાના હતા. જીવદયાપ્રેમીઓએ આ બાબતે સખત વિરોધ નોંધાવતાં અંતે આ પ્રોજેકટના એમઓયુને સમિટમાંથી જાકારો અપાયો છે. વેબસાઇટ પરથી પણ એમઓયુના લિસ્ટમાંથી આ પ્લાન્ટની વિગતો હટાવી લેવાઇ છે.

You might also like