ભારત વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વ નેતા બની શકે, પણ ફંડનો અભાવ છે

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નોબલ ડાયલોગ અંતર્ગત ‘બેઝિક એપ્લાઇડ રિસર્ચ ફોસ્ટરિંગ અેન્ડ ઇનોવેટિવ એન્વાયર્નમેન્ટ’ વિષય પર સંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યના મહેમાન બનેલા નોબલ પ્રાઇઝ મેળવી ચૂકેલા ૯ વિજ્ઞાનીએ તેમનાં વક્તવ્ય આપ્યાં હતાં. ત્યારબાદ ‘લોકલ રિસર્ચ ગ્લોબલ ઇમ્પેક્ટ: એડ્રેસિંગ ગ્લોબલ ચેલેન્જિસ’ વિષય પરના સંવાદમાં નોબલ વિજેતા ડૉ. હેરોલ્ડ વાર્મસ, ડૉ.રેન્ડી સ્કિમેન, ડૉ.રિચાર્ડ રોબર્ટ અને ડૉ.વેન્કટરામન રામક્રિષ્નન જોડાયા હતા. નોબલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાનીના હાથના પંજાનાં નિશાન લેવાયાં હતાં. જેેને યાદગીરી રૂપે સાચવવામાં આવશે.

ફિ‌ઝિકસમાં નોબલ પ્રાઇઝ મેળવનાર ડૉ.સર્જે હેરોશે જણાવ્યું હતું કે, ૧૮મી સદીમાં વિજ્ઞાનનો વ્યાપ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ પૂરતો મર્યાદિત હતો. ર૧મી સદીનું વિજ્ઞાન એપ્લાઇડ સાયન્સ છે. અેપ્લાઇડ સાયન્સનો મુખ્ય રોલ અવકાશમાં રહેલા નવા ગ્રહને શોધવાનો છે.

ભૌતિક વિજ્ઞાનમાં નોબલ વિજેતા ડૉ. ડેવિડ ગ્રોસે જણાવ્યું હતું કે, ભારત વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં લીડર બની શકે તેમ છે પરંતુ કમનસીબે સારા સાયન્સ પ્રોજેકટ ફંડના અભાવે લંબાઇ રહ્યા છે. બેઝિક સાયન્સ ક્ષેત્રે ચીન આગળ વધી રહ્યું છે. ભારતે પણ બેઝિક સાયન્સ પર ધ્યાન આપવું જોઇએ. ટેકનોલોજી લોકોની મૂળભૂત સમજ વધારશે.

દરમિયાન વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા આવી પહોંચલા સ્ટેટ બેન્કના ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યએ નોટબંધી બાબતે કહ્યું હતું કે દરરોજ નવી નોટ આવે છે. વધુમાં વધુ નોટ અમે એટીએમમાં મૂકીએ છીએ. ફેબ્રુઆરીના અંત સુધીમાં નોટની તંગી દૂર થઇ જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આરંભ બપોરે ૩.૩૦ વાગે કરશે. આ પ્રસંગે ભારતીય ઔદ્યોગિક જગતના આગેવાનો ઉપરાંત ગ્લોબલ કોર્પોરેટ જગતના પ૦૦૦થી વધુ ડેલિગેટસ હાજરી આપી રહ્યા છે. સમિટના ઉદ્ઘાટન પ્રસંગમાં રશિયા તથા પોલેન્ડના નાયબ વડા પ્રધાન ઉપરાંત ૩પ દેશના રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. વાઇબ્રન્ટ સમિટની આ વખતે થીમ ‘ગુજરાતઃ કનેકટિંગ ઇન્ડિયા ટુ ધી વર્લ્ડ’ છે.

આજની ગ્લોબલ સમિટમાં પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા, સર્બિયાના વડા પ્રધાન એલેકઝાન્ડર વુસિક, ફ્રાન્સના વિદેશ પ્રધાન જિન માર્ક, જાપાનના અર્થશાસ્ત્રી હિરોશિજ શેકો, સ્વિડનના શિક્ષણ પ્રધાન સન્ના એકસ્ટ્રોમ, યુએસના સેન્ટ્રોલ એશિયા અર્ફેસના આસીસ્ટન્ટ સેક્રેટરી નીશા દેસાઇ બિસ્વાલ, ઓસ્ટ્રેલિયાના સ્પેશિયલ એમ્બેસેડર ફોર ઇન્ડિયા બેરી ઓફરેલ નેધરલેન્ડના એમ્બેસેડર અલ્ફોનન્મ સ્ટોઇલિંગા હાજરી આપી રહ્યા છે.

ગ્લોબલ સમિટના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી, રતન ટાટા, કુમાર મંગલમ્ બિરલા સહિત વિક્ટોરિયા કોલાવો, પ્રેમવત્સલ, તોસી હીરો, પીટર હસમન, જોન ચેમ્બર્સ સંબોધન કરશે. અન્ય દેશોના ડેલિગેટસ સમિટમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. જેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટૂંકી બેઠક કરી હતી. આજે વીવીઆઇપીની હાજરીથી અમદાવાદ એરપોર્ટ ધમધમી ઊઠ્યું હતું. પહેલીવાર વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન બપોરે થઇ રહ્યું છે.

વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, યુએઇ, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સ્વિડન અને યુકે ભાગ લઇ રહ્યા છે. વડા પ્રધાન મોદી સાંજે ૬.૩૦ કલાકે વિશ્વની ટોચની કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. રાત્રે ૯.૦૦ કલાકે મહાત્મા મંદિરના ટેરેસ પર વડા પ્રધાન સાથે મહાનુભાવોના ગાલા ડિનરનું આયોજન કરાયું છે.
http://sambhaavnews.com/

You might also like