મહુવામાં VHPનાં પ્રમુખની કરાઇ હત્યા, બાદમાં લોકોએ કરી તોડફોડ

ભાવનગરઃ મહુવાનાં ગાંધીબાગ વિસ્તારમાં ગત રાતે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખની હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. બાઈક પર આવેલા કેટલાક શખ્સો મૃતક જયેશ ગુજારિયા અને તેમના મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યાં હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

હુમલાની ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળાંએ રસ્તા પર આવી જઈને કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી. બનાવના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઇ હત્યારાઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મહુવાના જનતા પ્લોટની તુલસી સોસાયટીમાં જયેશભાઈ ગુજા‌રિયા ઉર્ફે બકાલી (ઉં.વ.રર) પરિવાર સાથે રહે છે. તેમનાં પિતા અને અન્ય બે ભાઇઓ શાકમાર્કેટમાં શાક-બકાલુ વેચે છે. જયેશભાઈ ગુજા‌રિયા ઉર્ફે બકાલી કે જે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ બન્યાં હતાં.

ગઈ કાલે રાતે જયેશ અને તેમના મિત્ર મહેશ ગાંધીબાગ વિસ્તારમાં બેઠા હતા ત્યારે નવરાત્રી દરમિયાન થયેલી ઝઘડાની અદાવત રાખી પાંચથી છ શખ્સો હથિયાર સાથે આવ્યા હતા અને બંને પર તૂટી પડ્યાં હતાં. ભાવનગર એસ.પી., એલસીબી, એસઓજીનો સહિતનો કાફલો મહુવા પહોંચી ગયો હતો.

વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ બન્યા બાદ ગાંધીબાગમાં હિંદુ જાગૃતિ અંગેનું એક બોર્ડ વિશ્વ હિંદુ પરિષદનાં પ્રમુખનાં નામે મૂકવામાં આવ્યું હતું, જેમાં હિંદુ એકતા અંગે જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. આજના હુમલાના બનાવમાં ‘આ બોર્ડ કેમ મૂક્યું હતું?’ તેમ કહી હુમલો કરાયો હોવાનું કહેવાય છે.

વીએચપીના નેતાની હત્યાની જાણ થતાં જ લોકોનાં ટોળાં હુમલાખોરના વિસ્તાર મેઘદૂત, હેવન થઈ આક્રોશ સાથે કુબેરબાગ પહોંચ્યાં હતાં. રસ્તામાં ઈલેક્ટ્રો‌નિક્સ શો-રૂમ વિશ્વાસ અને જયમતમાં તોડફોડ કરી હતી. કુબેરબાગમાં કેટલીક લારીઓની તોડફોડ કરી હતી. ત્યાંથી ટોળું આગળ વધે તે પહેલાં પોલીસે પહોંચી જઈ લોકોને વિખેરી નાખ્યા હતા. વાસી તળાવ પાસે કેટલાક લોકો પહોંચી ગયા હતાં.

આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી પોલીસે અઘોષિત કરફ્યુ જેવી સ્થિતિ કરી દેતાં મામલો બિચકતાં અટક્યો હતો. શહેરમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે મોટો પોલીસ કાફલો મહુવા ખાતે ખડકી દેવામાં આવ્યો છે.

મોડી રાત્રે બનેલા આ ચકચારી બનાવને પગલે શહેરમાં ઘટનાનાં પડઘા ન પડે તેને લઇ ગાંધીબાગ, કુબેરબાગ સહિતના વિસ્તારમાં એસઆરપી કંપની સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. નવરાત્રીમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યાનાં પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. બે જૂથો વચ્ચે કોમી રમખાણ ન થાય તેનાં પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

You might also like