પ.બંગાળમાં રામ નવમી પર રાજનીતિઃ વિહિપને રેલી યોજવા મંજૂરી ન આપી

રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોલકાતા પોલીસે રામ નવમી પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) કાર્યકરોને બાઈક રેલી યોજવા માટે મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો છે. પોલીસે વિશ્વ હિંદુ પરિષદની બાઈક રેલી શરૂ થવાની હતી તેના થોડા સમય પહેલા પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો.

એટલું જ નહીં પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીની પોલીસે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને એવું પણ જણાવ્યું હતું કે તેઓ રેલી દરમિયાન ભગવાન રામની માત્ર એક જ તસવીરનો ઉપયોગ કરી શકશે.

મમતા બેનરજીએ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને રેલી યોજવા માટેની પરવાનગી આપવા ઈનકાર કરતાં વિહિપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે. પોલીસે રેલી અટકાવી દીધા બાદ વિશ્વ હિંદુ પરિષદના સભ્યોએ ભગવાન રામની તસવીર અને ભગવા ઝંડા સાથે સ્થાનિક રેલી કાઢવાની કોશિશ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોટા સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ રાજ્યમાં ૭૦૦ રેલી કાઢવાની તૈયારી કરી હતી, પરંતુ મમતા બેનરજીની પોલીસે વિશ્વ હિંદુ પરિષદને રેલી યોજવા માટે પરવાનગી આપવા ઈનકાર કર્યો હતો.

આ અગાઉ સિલિગુડી પોલીસે રાહુલ ગાંધીનાં હેલિકોપ્ટરને લેન્ડિંગ કરાવવાનો ઈન્કાર કર્યો હતો અને પાછળથી કોંગ્રેસે સિલિગુડીમાં યોજાનારી રેલી રદ કરી દીધી હતી. પોલીસે તેની પાછળ સુરક્ષા કારણો જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

You might also like