બાબરીની પચીસમી વરસીએ વિહિપ બે લાખ ધર્મયોદ્ધાને મેદાનમાં ઉતારશે

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બજરંગ દળના બે લાખથી વધુ યુવા કાર્યકરોને ‘ધર્મયોદ્ધા’ તરીકે તૈયાર કરવામાં આવશે. આ વર્ષે ૬ ડિસેમ્બરના રોજ બાબરી ધ્વંસની ૨૫મી વરસી પર ‘ત્રિશૂલ દીક્ષા’ના દિને આ ધર્મયોદ્ધાઓ તૈયાર કરવામાં આવશે. વિહિપ તેમને બાબરી ધ્વંસની ૨૫મી વર્ષગાંઠે મેદાનમાં ઉતારશે. પશ્ચિમ યુપીમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસારના સચિવ રાકેશ ત્યાગીએ જણાવ્યું હતું કે આ યોદ્ધાઓ હિન્દુ ધર્મનું રક્ષણ કરશે.

જો કોઈ મંદિરને તોડી પાડવાની કોશિશ કરશે, હિન્દુ ધર્મ પર હુમલો કરશે, ગૌહત્યા કરશે, લવ જેહાદ કરશે તો આ ધર્મયોદ્ધાઓ તેમની સામે મુકાબલો કરશે. ત્રિશૂલ ભગવાન શિવના વિશ્વાસ અને શક્તિનું પ્રતીક છે એવું જણાવીને વિહિપના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે દેશભરમાં ત્રિશૂલ દીક્ષાના કાર્યક્રમો યોજાશે.

જોકે આ અંગેનો નિર્ણય દરેક રાજકીય એકમ પર છોડવામાં આવશે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુઓ કોઈ પણ પ્રકારની આક્રમકતા સાંખી લેશે નહીં. જ્યારે રાકેશ ત્યાગીએ જણાવ્યું હતું કે ત્રિશૂલને શસ્ત્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવશે નહીં, જોકે તેનો ઉપયોગ હિન્દુ ધર્મના રક્ષણ માટે કરી શકાશે.

હવે હિન્દુ ધર્મના યુવાનો માટે સમય આવી ગયો છે કે તેઓ ધર્મનું રક્ષણ કરે. બીજી બાજુ બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક મનોજ વર્માએ જણાવ્યું છે કે કેટલાક એકમો ૧૯ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી સભ્યોની વર્ધી અભિયાન હાથ ધર્યા બાદ ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરશે. સંગઠનની યોજના એકલા યુપીમાં પાંચ લાખ યુવાનોને ધર્મયોદ્ધા તરીકે જોડવાની છે.

You might also like