વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ૯પ વર્ષની વયે નિધન

નવી દિલ્હી: ભારતીય પત્રકારજગતના અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ૯પ વર્ષની વયે નિધન થઈ ગયું. તેઓ છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ હતા. ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. બુધવારે રાતે લગભગ સાડા બાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે એક વાગ્યે લોધીરોડ પર આવેલા ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.

કુલદીપ નાયર ઘણા દાયકાથી પત્રકારત્વમાં સક્રિય હતા. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં હતાં. નાયરનો જન્મ ૧૪ ઓગસ્ટ, ૧૯ર૩ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત ઉર્દૂ પ્રેસના રિપોર્ટર તરીકે કરી હતી.

તેઓ દિલ્હીના જાણીતા અખબાર ‘ધ સ્ટેટ્સમેન’ના એડિટર પણ રહી ચૂક્યા હતા. પત્રકાર ઉપરાંત તેઓ એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત હતા. ઈમર્જન્સી દરમિયાન કુલદીપ નાયરની ધરપકડ પણ કરવામાં આવી હતી.

તેઓ ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન અધિકારીના પદ પર પણ વર્ષો સુધી રહ્યા હતા. ત્યારબાદ તેઓ સમાચાર એજન્સી યુએનઆઈ અને પીટીઆઈ ઉપરાંત ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે પણ ઘણા લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. તેઓ રપ વર્ષ સુધી ‘ધ ટાઈમ્સ લંડન’ ના સંવાદદાતા પણ રહ્યા હતા.

કુલદીપ નાયર ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. ૧૯૯૦માં તેમને ગ્રેટ બ્રિટનમાં ઉચ્ચ આયુક્ત તરીકે નિમવામાં આવ્યા હતા. ઓગસ્ટ-૧૯૯૭માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

તેમણે ‘ડેક્કન હેરાલ્ડ’ (હૈદરાબાદ), ‘ધ ડેઈલી સ્ટાર’, ‘ધ સન્ડે ગાર્ડિયન’, ‘ધ ન્યૂઝ’, ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પાકિસ્તાન’, ‘ડોન’, ‘પ્રભાસાક્ષી’ સહિતનાં ૮૦થી વધુ સમાચારપત્ર માટે ૧૪ ભાષામાં તેમની જાણીતી કોલમ અને ઓપ-એડ લખ્યાં હતાં.

કુલદીપ નાયરે ‘બિટવીન ધ લાઈન્સ’, ‘ડિસ્ટન્ટ નેવર: અ ટેલ ઓફ ધ સબ કોન્ટિનેન્ટ’, ‘ઈન્ડિયા આફ્ટર નહેરુ’, ‘વોલ એટ વાઘા’, ‘ઈન્ડિયા પાકિસ્તાન રિલેશન‌િશપ’, ‘ઈન્ડિયા હાઉસ’, ‘સ્કૂપ’, ‘ધ ડે લુક્સ ઓલ્ડ’ જેવાં અનેક પુસ્તકો લખ્યાં હતાં.

You might also like