મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પણ હવે બનશે વર્ટિકલ ગાર્ડન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની બહારની દીવાલ પર વર્ટિકલ ગાર્ડનના એક નવતર પ્રયોગનું તત્કાલીન મેયર ગૌતમ શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રયોગ સફળ જતાં હવે શહેરમાં ફ્લાય ઓવરબ્રિજ અને સાબરમતી રિવર ફ્રન્ટની નદી તરફની દીવાલ પર પણ વર્ટિકલ ગાર્ડન ઊભા કરાશે.

હવે શહેરના શિવરંજની, હેલ્મેટ સર્કલ, સીટીએમ સહિતના પાંચ ઓવરબ્રિજ તેમજ સાબરમતી રિવરફ્રન્ટની નદી તરફની દીવાલ પર વર્ટિકલ ગાર્ડન ઊભા કરશે તેમ મ્યુનિસિપલ બગીચા વિભાગના વડા જિજ્ઞેશ પટેલ કહે છે.

સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે વલ્લભસદન અને પૂર્વ કાંઠે સુભાષબ્રિજની નદી તરફની દીવાલને વર્ટિકલ ગાર્ડન માટે પસંદ કરાઈ છે. શહેરમાં કુલ ૨૦ હજાર ચો. ફૂટની વિવિધ જગ્યાએ સેમ્પલ વર્ટિકલ ગાર્ડન ઊભા કરાશે. આની પાછળ અંદાજે રૂ. ૧.૬૦ કરોડ ખર્ચાશે. હાલમાં વર્ટિકલ ગાર્ડનને લગતા ટેન્ડર પ્રસિદ્ધ કરવાની દિશામાં કવાયત ચાલી રહી છે.

You might also like