ફાયર બ્રિગેડના ૭૩ વોલેન્ટિયરને ડ્રાઈવર તરીકે નિમણૂક આપવાની મૌખિક ખાતરી

અમદાવાદ: કોતરપુરમાં ફરજ બજાવતા ફાયર બ્રિગેડના વોલેન્ટિયર અનિલ પરમારનું ગઇ કાલે ફરજ દરમિયાન મોત થતાં તેમના સાથી કર્મચારીઓ રાતે ૮-૩૦ વાગ્યાની આસપાસ મૃતકના દેહને લઇને છેક મ્યુનિસિપલ મુખ્યાલયની પાસે આવ્યા હતા.

જોકે પોલીસ દ્વારા ગેટ નંબર એક પર એમ્બ્યુલન્સને રોકી દેવાઇ હતી. ત્યાર બાદ ધારાસભ્ય પ્રદીપ પરમાર સહિત શહેરના ચાર ધારાસભ્યોએ મોડી રાત્રે કમિશનર સાથે મંત્રણા કરતાં વહીવટી તંત્રે વોલેન્ટિયરને ડ્રાઇવર તરીકે નિમણૂક આપવાની મૌખિક ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

ગઇ કાલ બપોરથી જ અનિલ પરમારના નિધનના કારણે મ્યુનિસિપલ મુખ્યાલયમાં ભારે હોબાળો મચ્યો હતો. ૧૪ વર્ષથી ફાયર બ્રિગેડમાં વોલેન્ટિયરની ફરજ બજાવતા મૃતકના પરિવારમાંથી એક સભ્યને કાયમી નોકરી આપવાની મુખ્ય માગણી સાથે સાથી કર્મચારીઓએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યકત કર્યો હતો.

આ મામલે મોડી રાત્રે શહેરના ધારાસભ્ય પ્રદીપ પરમાર, શૈલેશ પરમાર, હિંમતસિંહ પટેલ અને ઇમરાન ખેડાવાલાએ મુખ્યાલયમાં બેસીને આપસમાં ચર્ચા-વિચારણા કરી હતી. ત્યાર બાદ આ ચારેય ધારાસભ્ય કમિશનરને મળ્યા હતા.

સ્વ. અનિલ પરમારની પત્નીને પણ રહેમ રાહે કોર્પોરેશનમાં નોકરી આપવાનું મૌખિક આશ્વાસન આપ્યું હતું. જોકે કેટલાક વોલેન્ટિયર્સની તંત્ર પાસે લેખિતની ખાતરીની માગણી છે.

You might also like