વેણુગોપાલ દેશના આગામી એટર્ની જનરલ બની શકે છે

નવી દિલ્હી: બંધારણીય નિષ્ણાત કે.કે. વેણુગોપાલ ભારતના આગામી એટર્ની જનરલ બની શકે છે. સરકારમાં મુકુલ રોહતગીના ઉત્તરાધિકારી તરીકે તેમના નામ પર સંમતિ સધાતી નજરે પડી રહી છે. ૮૬ વર્ષના વેણુગોપાલ ૪૦ વર્ષ બાદ ફરીથી દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી તરીકે વાપસી કરવા તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના એટર્ની જનરલ પદ માટે વેણુગોપાલનું નામ પ્રથમ પસંદ તરીકે ઉભરીને સામે આવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ તેમના નામની જાહેરાત થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટ અને કાયદાના ક્ષેત્રમાં વેણુગોપાલનો અનુભવ અને તેમનું કદ તેમને એટર્ની જનરલ પદ માટેની રેસમાં સૌથી આગળ મૂકે છે. ૧૯૬૦ના દાયકામાં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર વેણુગોપાલ મૂળ મદ્રાસના છે અને ૧૯૭૨માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો.

ઈમર્જન્સીના અંત બાદ તત્કાલીન વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં તેમને એડિશનલ સોલિસીટર જનરલ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓ મદ્રાસથી દિલ્હી સ્થળાંતર થયા હતા. તેમને સુપ્રીમ કોર્ટનો ૫૦ વર્ષ કરતાં વધુ બહોળો અનુભવ છે.
http://sambhaavnews.com/

You might also like