દિલ્હીમાં પ્રદૂષણ મામલે કોઈના પર આરોપ મૂકવાની જરૂર નથી: નાયડુ

અમદાવાદ: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વૈંકૈયા નાયડુ આજે ગુજરાતની મુલાકાતે છે. વૈંકૈયા નાયડુએ અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે પ્રદૂષણની સમસ્યા ઊભી થઇ છે તેના માટે કોઇના પર આરોપ મૂકવાની જરૂર નથી. દરેક વિભાગ પોતાનું કામ કરી જ રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે તેમની પાર્ટી માટે યોગ્ય છે.

તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ લોકશાહીને ખતમ કરવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવવા મામલે તેઓએ જણાવ્યું હતું કે પ્રમુખ બનવાનો નિર્ણય તેમની પાર્ટીનો છે. બીજેપીને તેમાં કોઇ લેવાદેવા નથી. મોતના સોદાગરનો શબ્દ પ્રયોગ યોગ્ય નથી.

ભારતે પીઓકેમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક મામલે હાફિઝ સઇદ દ્વારા જે નિવેદન અપાયું છે તે મામલે તેઓએ જણાવ્યું હતું કે આવાં નિવેદનોનો પાકિસ્તાન જ જવાબ આપે. અમારે જે કરવું હતું તે કરી દીધું. વૈંકૈયા નાયડુ અમદાવાદમાં ટાગોરહોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દૂરદર્શનની મુલાકાત લઇ અને ગાંધીનગર ખાતે આયોજિત એક સેમિનારમાં ભાગ લેશે. દરમિયાન નાયડુના આજે સવારે ટાગોરહોલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોથી હોલ ભરાઈ જતા પૂર્વ મેયર અમિત શાહ, પૂર્વ શાસકપક્ષના નેતા મયુર દવે તેમજ રોડ, હેલ્થ કમિટી સહિતના અન્ય કમિટીના ચેરમેન પ્રવેશથી વંચિત રહ્યા હતા.

You might also like