વેજલપુરમાં રોડનું અધૂરું કામ ટુ વ્હીલર ચાલકો માટે જોખમી!

અમદાવાદ: વેજલપુરમાં જીવરાજ પાર્ક ચાર રસ્તાથી બળિયાદેવના મંદિર સુધીના રસ્તા પર કોર્પોરેશન દ્વાર લાંબા સમયથી મિલિંગ ટેકનોલોજીથી રસ્તાના રિસરફેસિંગનું કામ હાથ ધરાયું છે. જો કે તંત્રનાં અન્ય કામોની જેમ આ કામ ગોકળગાય ગતિએ આગળ ધપી રહ્યું છે. આ રોડનો કેટલોક ભાગ અડધો તૈયાર કરીને છેલ્લા એક મહિનાથી છોડી દેવાયો છે. હવે અધૂરા રોડનો ‘ટેકરો’ ટુ વ્હીલર ચાલકોને પછાડી રહ્યો હોઈ સ્થાનિક લોકો ત્રાસી ઉઠ્યા છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વર્ષો વર્ષ રોડ રિસરફેસિંગ કામાં ડામરના થર પર થર લગાવાતા હોઈ રિસરફેસિંગમાં ‘મિલિંગ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લીધો છે. મિલિંગ ટેકનોલોજીમાં પહેલા જે તે રસ્તાને થોડોક ખોદી કઢાય છે. ત્યાર પછી રિસરફેસિંગનું કામ હાથ ધરાય છે. આના લીધે રોડ લેવલ ઊંચું થતું નથી અને ચોમાસામાં આસપાસની સોસાયટી કે દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જઈને ખાનાખરાબી સર્જાય છે. જો કે વેજલપુરવાસીઓને મિલિંગ ટેકનોલોજી આધારિત રોડ બનાવવાના કામનો ભારે કડવો અનુભવ થઈ રહ્યો છે. શરૂઆતમાં જીવરાજ પાર્ક ચાર રસ્તાથી આ કામનો પ્રારંભ કરાયો પરંતુ તેમાં પણ ખૂબ ધીમી ગતિથી કામ આગળ ધપ્યું છે. સમગ્ર રોડના એક પણ પટ્ટામાં પૂરેપૂરું કામ થયું નથી. પરંતુ શૈવાલી અને જલતરંગ વિસ્તારમાં અડધા-અધૂરા પટ્ટાના કારણે રોડ બિહામણો ભાસે છે. અધૂરા રોડના પટ્ટાનો ટેકરો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે જોખમી બન્યો છે. અનેક ટુ વ્હીલર ચાલકો ‘ટેકરો’ થવાથી પછડાઈને ઈજાગ્રસ્ત બન્યા છે. બળિયા બાપજી મંદિર સામેના રોડમાં પણ કોઈ પ્રગતિ દેખાતી નથી લગભગ એક મહિનાથી રોડનું કામ ઠપ થયું છે.

આ અંગે રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને પૂછતાં તેઓ કહે છે, હોળી-ધુળેટીના તહેવારોના કારણે કોન્ટ્રાક્ટરના મજૂરો રજા પર છે. હાલમાં સમગ્ર શહેરના રસ્તાના કામો લગભગ ઠપ છે. એક પેવર ચાલુ છે. તેમાં નાનકડું કામ ચાલી રહ્યું છે. આગામી ત્રીજી એપ્રિલથી વેજલપુરના રોડનું અધૂરું કામ આગળ વધશે. સમગ્ર શહેરમાં આઠ પેવર ધમધમશે.
http://sambhaavnews.com/

You might also like