વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ જમા કરાવવાના મુદ્દે રાત સુધી ચાલી બબાલ

અમદાવાદ: ગઇ કાલે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. સાંજે પ-૦૦ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મત બૂથ પરના ઇવીએમ મશીનો તેમજ વીવીપેટ મશીનો અને તેને લગતું સાહિત્ય જે તે બૂથના અધિકારીઓએ રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવવાનાં રહે છે.

વેજલપુર વિધાનસભા બેઠકમાં આવેલા ૩રપ બૂથનું કામકાજ અને રિપોર્ટ રજૂ કરવા માટે ૩રપથી વધુ અધિકારીનો સ્ટાફ રિસિવિંગ સેન્ટર પર હાજર થયો ત્યારે નોડલ ઓફિસર સાથે માથાકૂટ થયાનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્ટાફની ફરિયાદ હતી કે વીવીપેટ અને ઇવીએમ મશીન અમારી પાસેથી ભલે લઇ લીધાં, પરંતુ તેને લગતા રિપોર્ટ આપવા માટે અમારે રાતના ર-૦૦ વગાડવા પડયા. કારણ કે એક જ કાઉન્ટર બનાવાયું હતું.

જેના કારણે તમામ હિસાબો તેમજ ભૂલો સુધારવા સાથે અમારે લાંબો સમય પસાર કરવો પડયો હતો. તેની સામે નોડલ અધિકારી ગોપાલ બાંભણિયાએ જણાવ્યું હતું કે એક કાઉન્ટર પર દસ લોકો હતા, પરંતુ આ કામગીરીમાં સમય લાગી શકે છે.

ખાસ કરીને પહેલા તબક્કાની ચૂંટણીમાં જે સ્ટાફને કામગીરી સોંપાયેલ હતી તે સ્ટાફને બે દિવસ પછી ફરી બહારગામ આવીને કામ કરવાનું આવ્યું તેના કારણે તેમનામાં થોડો કચવાટ હતો, પરંતુ છેવટે તમામ બાબતો સુલઝી ગઇ હતી.

રિસિવિંગ સેન્ટર ડીએવી સ્કૂલમાં પહોંચેલા બૂથના સ્ટાફની ફરિયાદ હતી કે આગલી રાતનો ઉજાગરો અને આખા દિવસની કામગીરી પછી અડધી રાત સુધી અધૂરા સ્ટાફના કારણે અમારે સમયનો આટલો લાંબો ભોગ આપવો પડયો તે વાત વાજબી નથી. પંચે આ બાબતે પૂરતી વ્યવસ્થા કરવી જોઇતી હતી.

You might also like