વાહન ટો કરાતાં બે ભાઇઓની એસીપી પીઆઇ સાથે ઝપાઝપી

અમદાવાદ: શહેરમાં હવે ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ કર્મીઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. લોકોમાં પોલીસનો કોઇ જ ડર રહ્યો નથી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી અને લોકોની સુરક્ષાની જવાબદારી છે તેમની સુરક્ષા ઉપર જ હવે સવાલો ઊભા થયા છે. ગઇ કાલે જે ડિવિઝનના કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો તેમજ ટ્રાફિક ‘એ’ ડિવિઝન પોલીસના કોન્સ્ટેબલ પર બે કાર ચાલકોની મારામારીની ઘટના શમી નથી ત્યાં ગત રાત્રે બોડકદેવ વિસ્તારમાં અતિથિ હોટલ નજીક વાહન ટો કરવા બાબતે બે ભાઇઓએ ટ્રાફિક એસીપી તથા પીઆઇ સાથે બોલાચાલી અને ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી બંને ભાઇની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇ કાલે રાત્રે ટ્રાફિક એસીપી (પશ્ચિમ) એસ.ડી. પટેલ તેમજ એન ડિવિઝન પીઆઇ બી.એમ. બદકરી અને ‘અે’ ટ્રાફિક ડિવિઝન પીઆઇ પી.આર. પટેલ સહિતના ટ્રાફિક પોલીસ કર્મીઓ બોડકદેવ વિસ્તારમાં અતિથિ હોટલ પાસે ટ્રાફિકમાં અડચણરૂપ વાહનોને દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાનમાં દિલખુશ નાસ્તા સેન્ટર પાસે પાર્ક કરેલ એકસેસ સ્કૂટરને ટ્રાફિક કર્મી દ્વારા ટોઇંગ કરવા જતાં રવિ લલિત લાખાણી અને ચિરાગ લલિત લાખાણી (બંને રહે. શિવાલિક રો.હાઉસ-ર, બોપલ) દોડી આવ્યા હતા અને એકએસ ટોઇંગ કરવા બાબતે બોલાચાલી કરી હતી. બોલાચાલી થતા ટ્રાફિક એસપી તેમજ પીઆઇ ત્યાં દોડી ગયા હતા. બંને ભાઇઓએ વાહન ટ્રોઇંગ ન કરવા બાબતે એસીપી તથા પીઆઇ સાથે બોલાચાલી કરી હતી. અને ઝપાઝપી થતાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.

ટ્રાફિકમાં અડચણરૂપ વાહનને ટોઇંગ ન કરવા દેતાં તેમજ ફરજમાં રુકાવટ કરતાં પોલીસે બંને ભાઇઓની ધરપકડ કરી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ટ્રાઇફિક ટોઇંગ શાખાના કોન્સ્ટેબલની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like