વાહનચોરી રોકવા ટ્રાફિક પોલીસ બનશે ‘એકલવ્ય’

અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાઇટેક બની રહેલી ક્રાઇમ બ્રાંચ દ્વારા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ‘એકલવ્ય વી’ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. શહેરમાં 35 લાખથી જેટલાં વાહનો છે જયારે દરેક વાહનનો ડેટા તૈયાર કરાયેલા આ એકલવ્ય સોફ્ટવેરમાં મૂકવામાં આવ્યો છે. વાહન ચેકિંગ કે ટ્રાફિક નિયમન કરતા સમયે શહેરના કોઇ પણ ખૂણે ઊભેલો ટ્રાફિક કર્મચારી હવે પોતાના મોબાઇલમાં એકલવ્ય સોફ્ટવેરની મદદથી વાહનના નંબર પરથી વાહન અંગેની સંપૂર્ણ વિગતો મેળવી શકે છે. જેના આધારે વાહન ચાલક સાચું બોલે છે કે ખોટું અને વાહન તેનું છે કે નહીં તે સ્થળ પર જ ખબર પડી જશે અને ચોરીનાં વાહન અને ચોર બન્ને પોલીસની નજરોથી ભાગી શકશે નહી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઅાઈ દિલીપભાઇ ઠાકોર અને ટીમની મહેનતથી એકલવ્ય વી નામનું સોફ્ટવેર ક્રાઇમ બ્રાંચ દ્વારા બનાવામાં આવ્યું છે . આ સોફ્ટવેરનો લાભ શહેરની તમામ પોલીસ તંત્ર લઇ શકે છે . વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા અને ચોરીનાં વાહનોને કબજે કરવા માટે આ સોફ્ટવેર બનાવામાં આવ્યું છે.

એકલવ્ય સોફ્વેરની મદદથી શહેરમાં આર.ટી. ઓમાં રજિસ્ટર કરવામાં આવેલાં તમામ ટુ વ્હિલર, ફોર વ્હિલર અને થ્રી વ્હિલર સહિતનાં વાહનોની સંપૂર્ણ માહિતી આ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવી છે. શહેરના પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મચારીનાં મોબાઈલ નંબર આ સોફ્ટવેરમાં રજિસ્ટર કરવામાં આવે છે. શહેરમાં ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા કેટલાએ કર્મચારી પાસે હવે પોતાના સ્માર્ટ ફોન આવી ચુક્યા છે માટે હવે દરેકનાં ફોનમાં એકલવ્ય સોફ્ટવેર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી વાહન ગુનાખોરીનો આંકડો ઘટાડી શકાય .

વર્ષ 2015માં કુલ 1540 જેટલાં વાહન ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે જેમાં માત્ર 534 જેટલા ગુના ડિટેકટ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં દિવસે- દિવસે વાહન ચોરીના ગુનાઓ વધતા જાય છે.વાહન ચોરીનો આંકડો ધટાડવા માટે હવે ટ્રાફિક પોલીસ પણ એકલવ્યની મદદ લઈને વાહન ચોરીના ગુના ડિટેકટ કરી શકશે. ટ્રાફિક પોલીસ કર્મચારી તેમના સ્માર્ટ ફોનમાં એકલવ્ય સોફ્ટવેર નાખીને શંકાસ્પદ વાહન ચાલકનો નંબર સોફ્ટવેરમાં નાખીને માત્ર છથી સાત સેકન્ડમાં જ વાહનનો પ્રકાર, માલિકનું નામ, ક્યારે રજિસ્ટર થયું છે , વાહન ક્યારે પાસ કરાવમાં આવ્યું છે અને કોઈ બીજાને વેચાવામાં આવ્યું છે કે નહીં તેની તમામ વિગતો મેળવી શકે છે.

ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને કામગીરી દરમિયાન શંકાસ્પદ લાગતા વ્યક્તિનો વાહન નંબર આ સોફ્ટવેરમાં નાખીને વાહન અંગેની તમામ વિગતો મેળવી શકે છે. જેથી તે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે માત્ર સાત સેકન્ડમાં પોલીસને ખબર પડી જશે. આ સોફ્ટવેરની મદદથી વાહન ચેકિંગ કે ટ્રાફિકનાં નિયમનું ભંગ કરે તે દરમિયાન વાહન ચોરોને પકડવામાં અને ચોરાયેલા વાહન કબજે કરવામાં પોલીસ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે. અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા  દરેક કોન્સ્ટેબલોને ફરજિયાત એનરોઇડ ફોન ખરીદવા આદેશ આપવામાં આવ્યો હતો અને તેમાં એકલવ્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી .

જેથી પોલીસ તંત્રમાં કેટલાય પોલીસ કર્મચારી પાસે આ સોફ્ટવેર તેમના ફોનમાં જોવા મળતું હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી પાસે માત્ર સ્માર્ટ ફોન જોવા મળતા હતા. જ્યારે હવે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કેટલાય હોમગાર્ડ અને કોન્સ્ટેબલ પાસે સ્માર્ટ ફોન જોવા મળે છે માટે હવે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી અને જેની પાસે સ્માર્ટ ફોનની સુવિધા છે તે તમામનાં ફોનમાં એકલવ્ય સોફ્ટવેર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ અધિકારીઓના આ હુકમને લીધે પોલીસ તંત્રમાં નારાજગી ફેલાઇ છે. કારણ કે એનરોઇડ ફોન ઓછામાંઓછો પાંચ હજારમાં મળે. ટ્રાફિક પોલીસ ખાતામાં અત્યારે ચર્ચા ચાલી રહી છે કે ગમે તેમ કરીને ચલો ફોન ખરીદી પણ લઇએ પરંતુ તેમાં દર મહિને ઇન્ટરનેટ રિચાર્જ અલગથી કરાવું પડે તેના રૂપિયા કોણ ભરશે ? જ્યારે કેટલાય નવા આવેલા પોલીસ કર્મીઓને એકલવ્ય સોફટવેર ચલાવવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી નથી કે આપી નથી .

You might also like