વાહન પાર્કિંગના ઝઘડામાં હત્યા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના અસલાલી વિસ્તારમાં આવેલા રઘુવીર એસ્ટેટ પાસે ગઇ કાલે વાહન પાર્કિંગ બાબતે પાંચ શખસોએ આધેડને માર મારી તેમની હત્યા કરી નાખી હતી. આ મામલે અસલાલી પોલીસે પાંચેય સામે રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અસલાલીના અરમાનપુરા ગામમાં તળાવની પાળ નજીક નારણભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ (ઉ.વ.પપ) રહેતા હતા. ગઇ કાલે સવારે નારણભાઇ તેમના ઘરની બાજુમાં આવેલા રઘુવીર એસ્ટેટ પાસે ઊભા હતા. દરમ્યાનમાં બાજુમાં જ રહેતા પ્રકાશભાઇ ઠાકોરભાઇ રાઠોડ આવ્યા હતા. તેઓએ પોતાનું વાહન એસ્ટેટ નજીક પાર્ક કરતાં પ્રકાશભાઇ અને નારણભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં નજીકમાંથી જગદીશભાઇ મગનભાઇ, વિજયભાઇ રમણભાઇ, રાહુલભાઇ પ્રકાશભાઇ અને મહેશ અરવિંદભાઇ દંડા અને લાકડીઓ લઇને દોડી આવ્યા હતા. તમામે ભેગા મળી નારણભાઇને દંડા અને ફેંટોનો માર માર્યો હતો.

આ ઘટના બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત નારણભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે કુંવરભાઇ ભરવાડની ફરિયાદના આધારે પાંચેય વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે.

You might also like