વાહનમાલિકોને હવે આરસી બુક દસથી પંદર દિવસમાં મળી જશે

અમદાવાદ: ૧ સપ્ટેમ્બરથી અમદાવાદ સહિતની રાજ્યભરની આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત કરાયું છે, તેનો સૌથી મોટો ફાયદો નવું વાહન ખરીદનારને થશે. લાંબા સમયગાળે મળતી આરસી બુક હવે વાહન માલિકને માત્ર ૧૦થી ૧૫ દિવસના સમયગાળામાં મળી જશે.

નવા વાહનની ખરીદીમાં વાહન રજિસ્ટ્રેશન, નંબર જનરેશન, એપ્રૂઅલ અને ત્યારબાદ ઈન્સ્પેક્શનથી લઈને આરસી બુક મેળવવા સુધીની તમામ પ્રક્રિયામાં એકથી દોઢ મહિનાનો સમયગાળો લાગતો હતો.

હવે વાહનવ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર કામગીરી ઝડપથી પૂરી કરીને માત્ર ૧૦ દિવસમાં જ વાહનધારકને આરસી બુક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેનું મુખ્ય કારણ ઓનલાઈન પ્રક્રિયા અને પેમેન્ટ બંને બનશે.

આ અંગે એઆરટીઓ એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાના કારણે જે અગવડ અગાઉ ઊભી થતી હતી તે દૂર થઈ છે. તા.૧ થી ૩૧ અોગસ્ટ દરમિયાન પણ અમદાવાદમાં દોઢ કરોડથી વધુ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ જમા થયું છે, જે હવે ૧ સપ્ટેમ્બરથી ફરજિયાત થયું છે.

ઓનલાઈન પેમેન્ટ થવાના કારણે નવું વાહન ખરીદનારના ડોક્યુમેન્ટ ડીલર તરફથી એક જ દિવસમાં આરટીઓને મળે છે. પેમેન્ટ મળ્યા બાદ આરટીઓ તરફથી એક જ દિવસમાં એપ્રૂઅલ વે‌રિફિકેશન અને ઈન્સ્પેક્શનની પ્રક્રિયા પૂરી કરી લેવાશે. બે દિવસ વાહનનો નંબર જનરેટ થવામાં થશે.

બે દિવસ આરસી બુક પ્રિન્ટ થવા માટે લાગશે. ૪ દિવસ આરસી બુક વાહનધારકને પહોંચતાં થશે. આમ, દસ દિવસમાં જ વાહનધારકને આરસી બુક મળી જશે. રજાના દિવસો ઉમેરવામાં આવે તો વધુમાં વધુ ૧૫ દિવસમાં આરસી બુક મળી શકે.
ડિસેમ્બરથી મે-૨૦૧૮ સુધીનો સમયગાળો એવો હતો કે અમદાવાદ આરટીઓમાં ૨૫,૦૦૦ જેટલી આરસી બુકનો ભરાવો થયો હતો, જેની વહેંચણી માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવી પડી હતી.

જૂની એજન્સી અને નવી એજન્સીની કામગીરી વચ્ચેના સમયગાળામાં સંકલનના અભાવે હજારો વાહન માલિકો આરસી બુક વગર મુશ્કેલીમાં મુકાયા હતા. હવે આરસી બુક ડિસ્ટ્રિબ્યૂશન માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલાઈઝ સિસ્ટમ અમલી છે. તેથી અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓની આરસી બુક ગાંધીનગરથી ડિસ્ટ્રિબ્યૂટ થઈ રહી છે.

You might also like