વાહનમાં નંબર પ્લેટ લગાવવા હવે અારટીઅો નહીં જવું પડે

અમદાવાદ: અમદાવાદ શહેરના નવી કાર, બાઇક, રિક્ષા, સ્કૂટર વગેરે નવાં વાહન ખરીદનારા વાહન માલિકોએ હવે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ નહીં જવું પડે. પરંતુ હવેથી તેમણે જે ડીલર પાસેથી વાહન ખરીદ્યું હશે તે ડીલર જ વાહનને હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી આપશે. હાલમાં પ્રાથમિક તબક્કે અમદાવાદમાં ર૩ ડીલરને એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપવાની મંજૂરી આપી છે. જો કે હાલમાં ગણાગાંઠ્યા ડીલરો અત્યારે નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ વર્ષના અંત સુધીમાં અમદાવાદના તમામ ડીલરોઅે ફરજિયાતપણે અા કામગીરી કરવી પડશે.

આ તમામ ડીલરને ડિમ્ડ આરટીઓનું બિરુદ આપવામાં આવશે. નંબર પ્લેટ લાગી ગયા બાદ ડીલરે આરટીઓને ડેટા સબમિટ કરવાનો રહેશે. એચએસઆરપી નંબર પ્લેટ લાગી ગયાના પુરાવા અને ડેટા ડીલર તરફથી મળ્યા બાદ વાહન માલિકોને આરટીઓ આરસી બુક આપશે. હવેથી ડીલરે જ વાહનમાં એચએસઆરપી નંબર ફીટ કરીને ત્યાર પછી વાહનની ડિલિવરી આપવાની રહેશે. જ્યાં સુધી નંબર પ્લેટ લાગેલી નહીં હોય ત્યાં સુધી ડીલર વાહનની ડિલિવરી આપી શકશે નહીં.

હાલમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ નવું વાહન ખરીદે તો તેને ડીલર તરફથી તાત્કાલીક વાહન ડિલિવરી આપી દેવાય છે. ત્યારબાદ આરટીઓનો ટેકસ અને પાસિંગની કામગીરી શરૂ થાય છે. એટલું જ નહીં રજિસ્ટ્રેશન થયા પછી પંદરથી વીસ દિવસ જેટલો સમય નંબર પ્લેટ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અને લગાવવામાં લાગી જાય છે.

આ અંગે આરટીઓ જી.એસ. પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણય મુજબ ૧લી જાન્યુ. ર૦૧૭થી અમદાવાદ સહિત રાજ્યભરના તમામ ડીલરે વાહનમાં ફરજિયાત એચએસઆરપી નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી કરવી પડશે. દરમ્યાન ડીલર જ આ કામગીરી કરશે. તેથી તેમને ડિમ્ડ આરટીઓનું બિરુદ આપવામાં આવશે.

ડીલરે પોતાના શો રૂમ કે વર્કશોપ પર જ નંબર પ્લેટ તૈયાર કરીને વાહનમાં લગાવી ડિલિવરી કરવાની રહેશે. તે અંગેની તમામ ટ્રેનિંગ પ્લેટ બનાવતી કંપની તરફથી જે તે ડીલરને આપવામાં આવશે. દરેક ડીલરને રાજ્યના વાહન વિભાગે નક્કી કરેલાં ધારા ધોરણ મુજબની તૈયારી સાથે નંબર પ્લેટ લગાવવાની મંજૂરી લેવાની રહેશે. જેમની પાસે તે પ્રમાણેની સગવડ નહીં હોય તેમણે ડિસે.-ર૦૧૬ના અંત પહેલાં આ કામગીરી પૂર્ણ કરવી પડશે. જો ડીલર નંબર પ્લેટના ભાવ નિયત ભાવ કરતાં વધુ વસૂલશે તેવી ફરિયાદ વાહન માલિક કરશે તો તથ્યને આધારે ડીલર સામે ફોજદારી કાર્યવાહી થશે.

You might also like