વાહનમાં નંબરપ્લેટ લગાવવા જાવ તો વરસાદ હોય કે તડકો વેઠવા પડશે

અમદાવાદ: અમદાવાદ આરટીઓ (સુભાષબ્રિજ)નું તંત્ર ધીરે ધીરે હવે નાગરિકોની નારાજગીનું કેન્દ્ર બની રહ્યું છે. લાઇસન્સ કઢાવવાનું હોય કે નવા વાહનમાં નંબર પ્લેટ લગાવવાની હોય કે આરસી બુક કઢાવવાની હોય લોકોને લાચારીથી ફરજિયાત જરૂર કરતાં વધારે સમય ફાળવવો પડે છે એટલું જ નહીં, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આરટીઓના કમ્પાઉન્ડમાં નામના દેખાવ પૂરતું એક નાનું શેલ્ટર છે, જેમાં ના તો ગાડી સમાય, ના સ્ટાફ તેની નીચે રહી કામ કરી શકે, જેના કારણે વરસાદ હોય કે તડકો ખુલ્લા ગ્રાઉન્ડમાં જ નંબર પ્લેટ લગાવવાની કામગીરીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

અત્યારે વરસાદની સિઝન ચાલે છે. વરસાદ પણ સારા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે નવા વાહનમાં એચઆરપીસી નંબર પ્લેટ લગાવવા આવી રહેલા વાહન માલિકોને ફરજિયાત વરસાદમાં ભીંજાવંુ પડી રહ્યું છે. ટુવ્હીલર માલિકો માટે નંબર પ્લેટનું પેમેન્ટ કરવાની બારી પાસેથી ૩ ફૂટની જગ્યામાં માંડ એક વિહિકલ ઊભું કરી શકે તેવા વોક-વે એન્ટ્રન્સમાં વરસાદથી બચવા નંબર પ્લેટ લગાવવા ઊભાં રહેવું પડે છે તો કેટલાકે રેઈનકોટ પહેરીને નંબર પ્લેટની લાઈનમાં ખુલ્લામાં ભીંજાવાનો વારો આવે છે.

આટલું જ નહીં આરટીઓની આટલી મોટી જગ્યામાં કોઈ જગ્યાએ શેડ કે શેલ્ટર નહીં હોવાના કારણે નાગરિકો જ નહીં, નંબર પ્લેટ લગાવી આપનારા સ્ટાફની હાલત પણ એવી જ કફોડી છે. આરટીઓના ખુલ્લા ગ્રાઉન્ડમાં ગાડીઓની નંબર પ્લેટ લગાવી આપવાની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ ગાડી ખુલ્લી જગ્યામાં હોવાથી વરસાદમાં પલળતાં જ નંબર પ્લેટ નાખી આપવી પડે છે.

આરટીઓ જી.એસ.પરમારનો દાવો છે કે ગાડી માટે શેલ્ટર બનાવાયાં છે, પરંતુ એ શેલ્ટરની સાઈઝ એટલી નાની છે કે તડકો હોય કે વરસાદ માંડ એક ટેબલ પર નંબર પ્લેટ અને ડ્રીલ સહિતનો સામાન અને બે વ્યક્તિ ઊભા રહી શકે. જો ગાડી શેલ્ટર નીચે રાખવામાં આવે તો પણ સ્ટાફે તો બહાર ઊભાં રહીને જ નંબર પ્લેટ લગાવી આપવી પડે. ગ્રાઉન્ડનું લેવલિંગ નહીં હોવાના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેમાં વરસાદનાં પાણી ભરાયાં છે. શેલ્ટરની વ્યવસ્થા તો પૂરતી નથી, પરંતુ ખુલ્લી જગ્યામાં પણ નંબર પ્લેટ લગાવવાની કામગીરીનાં ફાંફાં છે. આ અંગે એઆરટીઓ દિલીપ યાદવે જણાવ્યું હતું કે વાહન માલિકો કે સ્ટાફને વરસાદ કે તાપથી રક્ષણ આપવા શેલ્ટરની વ્યવસ્થા કરવી જરૂરી છે.

You might also like