હવે ગાડીઓ નહીં, રસ્તાઓ હોર્ન વગાડશે

નવી દિલ્હી: ભારતીય ટ્રક ડ્રાઇવર્સ ‘હોર્ન ઓકે પ્લીઝ’ લખીને હોર્ન વગાડવાની ભલામણ કરતા હોય છે. હવે હોર્નને લઇ નવી ટેકનિક આવી રહી છે. હાઇવે પર સુરક્ષા વધારવાની ઇચ્છા સાથે એચપી લુ‌િબ્રકન્ટ્સ અને લિયો બર્નીટે હાથ મિલાવ્યા છે અને એવી સિસ્ટમ ડેવલપ કરી છે, જેમાં રસ્તાઓ જાતે જ હોર્ન વગાડશે. આ સિસ્ટમ સફળતાપૂર્વક જમ્મુ-શ્રીનગરને જોડતા હાઇવે એનએચ-૧ પર ટેસ્ટ કરાઇ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે આને સૌથી ખતરનાક રસ્તાવાળો હાઇવે માનવામાં આવે છે. રસ્તાઓના ટર્નની આસપાસ સ્માર્ટ લાઇફ પોલ્સ લગાવાય છે. આ પોલ તાર વગર એકબીજા સાથે કનેક્ટ રહે છે, જ્યારે પણ ટ્રાફિક આમતેમ થાય છે તો પોલ પાસે એલર્ટ પહોંચી જાય છે.

આ પોલ્સ વાહનોની ગતિને માપી લે છે અને ડ્રાઇવરને હોર્ન દ્વારા એલર્ટ કરવા લાગે છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ સિસ્ટમ એક્ટિવ થયા બાદ રોડ અકસ્માતમાં ઘટાડો થયો છે. કંપનીઓ હવે આ સિસ્ટમ પર બારીકાઇથી અભ્યાસ કરી રહી છે.

સૌથી વધુ માર્ગ અકસ્માતોવાળા દેશોની યાદીમાં ભારત પણ છે. ખાસ કરીને પહાડી વિસ્તારો જ્યાં ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી. સરકારી રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧પમાં માર્ગ અકસ્માતથી ૧,૪૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સ્માર્ટ લાઇફ પોલ્સ માર્ગ સુરક્ષાને લઇ નવી પહેલ છે. ઓટો કંપનીઓ સતત એવી ટેકનિક પર કામ કરી રહી છે, જેનાથી વાહનચાલકો અને રસ્તા પર ચાલનારા લોકો દુર્ઘટનાઓનો શિકાર ન બને.
http://sambhaavnews.com/

You might also like