બાપુનગરમાં સોસાયટીનાં પાર્કિંગમાં પાંચ બાઈક અને કાર સળગ્યાં

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારના સનરાઈઝ મોલમાં આવેલા માઈક્રોમેક્સ મોબાઈલ કંપનીના સર્વિસ સેન્ટરમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતાં બે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બીજી તરફ બાપુનગર િવસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં પાંચ બાઈક અને એક કાર સળગી ઊઠી હતી.

સ્થાનિક રહીશોએ આગને બુઝાવી દીધી હતી. ફાયરબ્રિગેડ કંટ્રોલને આજે વહેલી સવારે મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાપુરમાં માનસી ચાર રસ્તા નજીક સનરાઈઝ મોલમાં આવેલ માઈક્રોમેક્સ મોબાઈલ કંપનીમાં આગ લાગી છે, જેથી બે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે સર્વિસ સેન્ટરના ફર્નિચર તેમજ અન્ય માલમિલકતને નુકસાન પહોંચ્યું હતું. સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

બાપુનગરમાં કાકડિયા હોસ્પિટલ પાસે આવેલી યોગેશ્વરપાર્ક સોસાયટીના ભોંયરામાં આવેલા પાર્કિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે પાર્કિંગમાં પડેલાં પાંચ બાઈક અને એક કાર લપેટમાં આવી ગયાં હતાં. આગ લાગ્યાની જાણ સ્થાનિક રહીશોને થતાં તેઓએ પાણી નાખી આગને બુઝાવી દીધી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. આગના કારણે અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી.

You might also like