લીલાં શાકભાજીના લાલચોળ ભાવ: વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ

શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન બન્યો છે. સામાન્ય દિવસોમાં રૂ. ૪૦નાં કિલો લેખે મળતાં કોથમીર, લીંબુ, લીલાં મરચાં હાલમાં રૂ. ૧૬૦ના કિલો થયા છે. જયારે રૂ. ૪૦થી ૬૦ના કિલો પ્રમાણે મળતાં શાકભાજીના ભાવ રૂ. ૧૨૦ થી રૂ. ૧૪૦ને આંબી જતાં લોકોમાં બુમરાણ મચી છે. આમ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

શાકભાજીના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે તેથી ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ. ૪૦ના કિલો મળતાં હતાં તે વધીને રૂ. ૧૪૦ની આસપાસ થયા છે. જેમાં પરવળ, વટાણા, ચોળી જેવાં શાકના ભાવ રૂ. ૧૪૦ થી ૧૬૦ થઇ ગયા છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોઈ તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

લીંબુના ભાવ પણ ૧ કિલોના રૂ. ૧૬૦ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચાં અને આદુંનો ભાવ પણ એક કિલોનાે રૂ. ૧૬૦એ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં. જમાલપુરનાં શાકમાર્કેટમાં શાકભાજી ઓછા ભાવે મળે તેના બમણા ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોઈ શાકભાજીના વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યા છે. જમાલપુર શાકમાર્કેટમાં લીંબુ, કોથમીર, લીલાં મરચાં રૂ.૯૦થી ૧૦૦ના કિલો મુજબ વેચાય છે. જયારે પાલડી પાસે આવેલ સેમી હોલસેલ માર્કેટમાં લીલાં શાકભાજી ડબલ ભાવે વેચાણ થઈ રહ્યાં છે.

શાકભાજીના ભાવ
મરચાં રૂ.૧૬૦
લીંબુ રૂ.૧૬૦
પરવળ રૂ.૧૩૦
વટાણા રૂ.૧૩૦
ચોળી રૂ.૧ર૦
આદું રૂ.૧૫૦
ગવાર રૂ.૧૨૦
ભીંડા રૂ.૧૧૦
કારેલાં રૂ.૯૦
ડુંગળી રૂ ૨૦
બટાકા રૂ.૨૦
ટામેટાં રૂ.૩૫
ફુલાવર રૂ.૫૦
દૂધી રૂ.૩૫
ગવાર રૂ.૧૨૦
કાકડી રૂ.૧૨૦

You might also like