દેશમાં શાકભાજી અને કઠોળના ભાવ એકસરખા

અમદાવાદ: સામાન્ય રીતના કઠોળના ભાવ ઊંચા રહેતા હોય છે પરંતુ આ વખતે દેશમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત મોટા ભાગનાં રાજ્યમાં કઠોળના ઊંચા વાવેતરના પગલે જાન્યુઆરી બાદ સિઝનની નવી આવક શરૂ થતાં જ વિવિધ કઠોળના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઊંચી આવકના પગલે ચણાના ભાવ પ્રતિ કિલો રૂ.૫૦થી ૫૫ પહોંચી ગયા. એ જ પ્રમાણે મગના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને રૂ.૭૫થી ૮૦ સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં િવવિધ કઠોળના ભાવમાં અત્યાર સુધીમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો જોવાઈ ચૂક્યો છે.

કાળુપુર હોલસેલ બજારના વેપારીના જણાવ્યા પ્રમાણે સતત વધતી આવકના પગલે ચણાના વાયદા બજારમાં ડાઉન ટ્રેન્ડના પગલે હાજર બજારમાં પણ તેની અસર જોવા મળી છે અને ઘટાડાની ચાલ નોંધાઈ છે. દરમિયાન ઉનાળો આવતા જ ઘટતી આવકના પગલે શાકભાજીના ભાવમાં અન્ય સિઝનની સરખામણીમાં ઉછાળો જોવા મળે છે. ગવાર, ચોળી, પરવર અને કારેલાં પ્રતિ કિલો રૂ.૫૦થી ૭૦ની સપાટીએ પહોંચી ગયેલાં જોવા મળેલ છે.

એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીના જણાવ્યા પ્રમાણે ઉનાળામાં ઘટતી આવકના પગલે કારેલાં, પરવર, ગવાર, ચોળીના ભાવ એક મહિના પહેલાં રૂ.૩૦થી ૪૦ ના મથાળે જોવા મળતાં હતા તે ભાવ વધીને રૂ.૫૦થી ૭૦ની સપાટી પહોંચી ગયા છે.

You might also like