જાહેર શૌચાલયને શાકભાજીના વેપારીઓએ ગોડાઉન બનાવી દીધું!

અમદાવાદ: દેશમાં અને શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને શહેરને સ્વચ્છ રાખવા કામગીરી કરવામાં આવે છે પરંતુ કુબેરનગર વોર્ડમાં બનેલ શૌચાલય હવે શાકભાજીનાં ગોડાઉન બની ગયાં છે.

કુબેરનગર વોર્ડમાં આવેલ મેઈન રોડ પર જાહેર શૌચાલય અંદર બહાર શાકભાજીના કટ્ટા તેમજ લારીઓ ખોલીને દબાણ કરવામાં આવ્યું છે. જેના કારણે શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવતાં હોવાને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થવાની પણ શકયતાઓ છે પરંતુ કોર્પોરેશન ખુલ્લેઆમ દબાણ કરતા સામે કડક પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે જેનો ઉત્તમ નમૂનો કુબેરનગર શૌચાલય બહાર જોવા મળે છે.

કુબેરનગર વોર્ડમાં રોજ આ બંગલોઝ વિસ્તારના રહીશો શાકભાજી લેવા માટે અહીં આવતા હોય છે અને આજુબાજુના વિસ્તારમાં શૌચાલય ન હોવાના કારણે લોકો અહીં જ શૌચાલય માટે આવતા હોય છે ત્યારે ફેરિયાઓ દ્વારા શાકભાજીના કટ્ટા અંદર બહાર મૂકી દબાણ કરવામાં આવે છે.તેમજ દરરોજ શાકભાજીની લારીઓ ઊભી રાખે છે. અહીં શાકભાજીની લારીઓ પર ગ્રાહકોને શાક વેચવામાં આવે છે.

ફેરિયાઓ બટાકા, ડુંગળીના કટ્ટાઓ શૌચાલયની બહાર કે અંદર મૂકી દે છે છે. કુબેરનગર વોર્ડના રહીશોએ મ્યુનિસિપલ તંત્રમાં અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં શૌચાલય બહાર શાકભાજીનું વેચાણ ચાલુ રાખવામાં આવે છે. જે અરોગ્યને નુકસાનકારક એવાં શાકભાજીનું વેચાણ બંધ ન થતાં લોકોમાં પણ રોષની લાગણી જોવા મળે છે.

You might also like