ગરમીમાં ખાસ વેજિટેબલ ટેન લેધર ફૂટવેર

ઉનાળામાં જેવી રીતે વાતાવરણને અનુરૂપ કપડાં પહેવાનું લોકો પસંદ કરે છે તેવું હવે ચંપલમાં પણ જોવા મળી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં હળવા અને પહેરવામાં આરામદાયી હોય તેવાં ચંપલ પહેરવાનો આગ્રહ મોટાભાગના લોકો રાખતા હોય છે. ત્યારે આ ઉનાળાની ગરમીમાં સંપૂર્ણ ઓર્ગેનિક ચંપલ પહેરવા મળે તો! સમય સાથે ફેશનમાં નિયમિત રીતે કાંઇક નવું આવતું જ રહે છે. ફેશનના તાલ સાથે તાલ મિલાવતા લોકો નવી ફેશનને અપનાવવા તત્પર રહે છે. ત્યારે ફેશનમાં કાંઇક નવું અજમાવવા માગતા લોકો માટે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે વેજિટેબલ ટેન લેધરનાં ચંપલ.

ઉનાળાને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારનાં વૈવિધ્યસભર ચંપલ અને જૂતી તૈયાર કરનાર હિતેશ કેન્દ્રે કહે છે કે, “ક્વોલિટી મટીરિયલનો ઉપયોગ કરીને અમે ખાસ પ્રકારનાં ચંપલ ડિઝાઇન કર્યાં છે. ચંપલ બનાવવા માટે અમે કોઇ જ મશીનરીનો ઉપયોગ નથી કર્યો. કારીગરોના હાથની કમાલથી આ ચંપલ અમે તૈયાર કર્યાં છે.

વેજિટેબલ ટેન લેધર સંપૂર્ણ નેચરલ અને ઓર્ગેનિક મટીરિયલ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ આરામદાયક છે. તે વ્યક્તિના પગના આકાર પ્રમાણે ફિટ પણ થઇ જાય છે. આ લેધર ટકાઉ પણ છે. અમે કપલ ફૂટવેર પણ તૈયાર કર્યાં છે. મુસાફરીમાં આ ચંપલ ખૂબ જ આરામદાયી છે. વળી તે દરેક પ્રકારના પહેરવેશ પર અનુકૂળ આવે તેવાં પણ છે. જેની કિંમત ૧૮૦૦થી ૨૮૦૦ રૂપિયા સુધીની છે.

આ અંગે કૃતિ મહેતા કહે છે કે, “મને ચંપલનો ખૂબ જ શોખ છે. તેમાં વિવિધ પ્રકારનાં ચંપલનું મારી પાસે સારું કલેક્શન છે. હાલમાં જ મેં વેજિટેબલ ટેન લેધરનાં જૂતી કમ ચંપલ ખરીદ્યાં છે. મને લેધરનાં ચંપલ ખૂબ જ પસંદ છે. વળી ઉનાળામાં ગરમીમાં પગને આરામની સાથે જ સ્ટાઇલિશ લુક આપે તેવા ચંપલ જ પહેરું છું.”

તો કપલ ફૂટવેર ખરીદનાર રચિતા પટેલ કહે છે કે, “મેં મારા અને મારા પતિ માટે ઓર્ગેનિક વેજિટેબલ ટેન લેધરનાં ફૂટવેર ખરીદ્યાં છે. આ જૂતી ખરીદવાનું ખાસ કારણ એ છે કે તે હેન્ડમેડ છે. સાથે તેનો દેખાવ પણ અલગ છે. વળી આ લેધર એકદમ સોફ્ટ પણ છે.”

તો જો તમેય અલગ પ્રકારનાં ચંપલ પહેરવાનું પસંદ કરી રહ્યાં હોવ તો એક વખત ચોક્કસ ઓર્ગેનિક ફૂટવેર ટ્રાય કરજો. જે ઉનાળામાં એકદમ કમ્ફર્ટ અને કૂલ લુક આપશે.

પૂર્વી દવે વ્યાસ

You might also like