શાકભાજીમાં સોંઘવારીઃ ઢગલા અને નંગ પર વેચાવા લાગ્યું

અમદાવાદ: એક સમયે રૂ.૧૦૦એ પ્રતિકિલો વેચાતી ડુંગળી આજે માત્ર રૂ.૮ પ્રતિકિલોએ બજારમાં વેચાઇ રહી છે. માત્ર ડુંગળી જ નહીં, શાકભાજીના ભાવ પણ ગગડીને તળિયે જતાં ગૃહિણીઓને રાહત મળી છે. કિલોના ભાવે વેચાતાં શાકભાજી અત્યારે ઢગલામાં કે નંગદીઠ સાવ સસ્તામાં વેચાઇ રહ્યાં છે.

નોટબંધી, માલની આવકમાં વધારો અને હોટલ બિઝનેસમાં ખરીદી ઘટતાં ભાવ ગગડ્યા છે. ડુંગળીનું હબ ગણાતા નાસિકમાં ડુંગળીની ખપત અત્યારે ઓછી છે. ખેડૂતોને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતના માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની આવક વધી છે અેટલે ર૦ કિલોનો ભાવ રૂ.પ૦ થી ૧૦૦ થયો છે. ખેડૂતો હવે ટ્રકમાં ભરીને ડુંગળી વેચવા નીકળી પડ્યા છે. ડુંગળી તો ઠીક, રૂ.૪૦ પ્રતિકિલો વેચાતાં ટામેટાં અત્યારે ગગડીને રૂ.૧૦ થી ર૦ના ભાવે વેચાઇ રહ્યાં છે.

સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજી સસ્તાં થાય છે, પરંતુ અત્યારે સસ્તાં જ નહીં, ભાવ ગગડીને તળિયે પહોંચ્યા છે. શિયાળાની સાથે લીલાં શાકભાજીની શરૂ થયેલી સિઝનમાં રોકડના અભાવે ખેડૂતો ઉધારમાં માલ વેચી રહ્યા છે. મોટી સાઇઝનાં ફ્લાવર રૂ.૧૦નાં બે નંગ, દોઢ કિલો જેટલાં આમળાં રૂ.૧૦, ૩ નંગ કોબીજ રૂ.૧૦, પ નંગ કે‌િપ્સકમ રૂ.૧૦ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. ભાજી રૂ.૧૦ની ૩ ઝૂડી, દૂધી રૂ.ર-એક નંગ, આદું રૂ.૧૦નું ર૦૦ ગ્રામના ભાવે વેચાણ થઇ રહ્યું છે તો કિલોદીઠ શાકના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે કેશફ્લો ઘટવાથી ખેડૂતો ઉધારમાં માલ આપી રહ્યા છે. શાકભાજીની આવકનું પ્રમાણ ખૂબ વધારે છે. શાકભાજી જલદી બગડી જાય એટલે સસ્તાં વેચાઇ રહ્યાં છે. હોટલ બિઝનેસ તરફથી થતી ખરીદીમાં પણ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સરેરાશ નોટબંધી પછી ૩૦ થી ૪૦ ટકા શાકભાજીનો વ્યવહાર અસર પામ્યો છે.

શાકભાજી કિલોદીઠ ભાવ
ટામેટાં રૂ.૧૦ થી ૧પ
ફ્લાવર રૂ. ર૦ થી રપ
દૂધી રૂ. ર૦
રીંગણ રૂ. ર૦
ભાજી રૂ.૧૦-૩ ઝૂડી
કોબીજ રૂ.ર૦
પાપડી રૂ.૩૦ થી ૪૦
તુવેર રૂ.૩૦ થી ૪૦
બટાકા રૂ.૧ર
ભીંડા રૂ.૩૦
http://sambhaavnews.com/

You might also like