પાનના ગલ્લા, શાકમાર્કેટ, ચાની કીટલીઓ પર પાતળા પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગઃ તંત્ર નિષ્ક્રિય

અમદાવાદ: અમદાવાદમાં પચાસ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર કાયદેસરનો પ્રતિબંધ મુકાયો છે. કોર્પોરેશનના સત્તાવાળાઓને પ૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા, વેચાણ કરતા કે ઉપયોગ કરતા લોકો સામે કડક પગલાં લેવાની પૂરેપૂરી સત્તા છે. તેમ છતાં પાતળા પ્લાસ્ટિકનો આજે પણ છૂટથી ઉપયોગ થઇ રહ્યો છે. પાનના ગલ્લા, શાકમાર્કેટ તેમજ ચાની કીટલીઓ પર બેધડકપણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ થતો હોવા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને સમગ્ર તાલ નિહાળી રહ્યું છે.

ઉનાળાની સિઝનમાં સ્વાભાવિકપણે કાર્બાઇડ સહિતના કેમિકલથી પકાવાતી કેરીનો મામલો જોરશોરથી ઊછળે છે. આ વખતે પણ કોર્ટે કોર્પોરેશનની કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ તરફ મીઠી નજર ટાળવા બદલ ઉગ્ર ભાષામાં ઝાટકણી કાઢી હતી. કોર્ટના ઠપકા બાદ તંત્ર દોડતું થયું હતું. જોકે ઉનાળાની સિઝન દરમિયાન કોર્પોરેશનની પેકેજડ ડ્રિંકિંગ વોટર, કેરી કે ચીકુનો રસ, મેંગો મિલ્ક શેક અને ઠંડા પીણાનાં નમૂના લેવાની કામગીરી એકંદરે ‘રૂટિન’ પ્રકારની જ છે. એક પણ મોટા માથાનો વાળ વાંકો થયો નથી.

બીજી તરફ ગટરોને ચોકઅપ કરનારા પાતળા પ્લાસ્ટિકનો તો સમગ્ર વર્ષભર શહેરમાં ઠેર ઠેર છૂટથી ઉપયોગ થાય છે. ખાસ કરીનેે પાનના ગલ્લામાં માવાનું પેકિંગ કરવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતાં અચકાતા નથી શાકમાર્કેટમાં પાતળાં ઝભલાં થેલી નિરંકુશપણે વપરાય છે. તો ચાની કીટલીઓ ઉપર પણ પ્લાસ્ટિકના પાતળા કપ બેધડકપણે ઉપયોગમાં લેવાય છે. આ તમામ પ્રકારનું પાતળું પ્લાસ્ટિક છેવટે રોડ પર ફેંકાય છે અને રખડતા ઢોરનો ચારો બને તો તેના જીવ માટે જોખમી તો બને જ છે, પરંતુ ગટરોને ચોકઅપ કરી દેવામાં પણ મહત્ત્વનું કારણ બને છે. તેમ છતાં આખા વર્ષ દરમિયાન તંત્ર ભાગ્યે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા ઝુંબેશ ચલાવે છે.

ખુદ કમિશનર મૂકેશકુમારની પ૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકને અટકાવવા ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરવાની વારંવારની તાકીદને તંત્ર ઘોળીને પી ગયું છે. હાલોલથી પ્રતિબંધિત પ્લાસ્ટિક અમદાવાદ આવે છે. જ્યારે કાલુપુરમાં થોકબંધ માર્કેટનો ધમધમાટ યથાવત છે. શહેરમાં ચોમાસાએ જમાવટ કરી હોઇ ગટરો પાતળા પ્લાસ્ટિકથી ચોકઅપ થઇ રહી છે તેમ છતાં હેલ્થ વિભાગ પોતાની આળસ ખંખેરતું નથી.
http://sambhaavnews.com/

You might also like