વીણા મલિકે લીધા પતિ સાથે છૂટાછેડા

મુંબઇ: પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે પતિ અસદ ખત્તક સાથે છૂટાછેડા લીઘા છે. ઇસ્લામી કાનૂન પ્રમાણે મહિલા પોતે છૂટાછેડા ઇચ્છે છે તો એને છૂટાછેડા માટે અરજી કરવી પડે છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર વીણા મલિકના વકીલ અલી અહમદએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે વીણાએ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ 31 જાન્યુઆરીએ જ સ્થાનિક કોર્ટે આ બાબતે આદેશ આપી દીધો છે. જો કે આ માટે તેમણે વધારાની માહિતી આપવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે.

વીણા અને અસદના લગ્ન 25 ડિસેમ્બર 2013ના રોજ થયા હતા અને આ લગ્નથી એને બે બાળકો પણ છે. મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર વીણા ફિલ્મની કરિયરમાં પાછી જવા માંગતી હતી, જેને લઇને એને એના સાસરી પક્ષના લોકો સાથે બનતું નહતું. આ બાબતે વીણા અને અસદે કંઇ પણ કહેવા માટેની ના પાડી દીધી છે.

વીણા મલિકે દુબઇના ઉદ્યોગપતિ અસદ બશીર ખાન ખત્તક સાથે લગ્ન કર્યા હતા. અસદ બશીરને વેપાર દુબઇ સાથે અમેરિકામાં પણ છે અને એ વીણાના પિતાના મિત્રનો પુત્ર છે. ભારતીય એન્ટરટેઇનમેન્ટ ચેનલ કલર્સના રિયાલિટી શો બિગ બોસના ચોથી સિઝનમાં ભાગ લીધા બાદ વીણા મલિક ભારતમાં પણ ઘણી લોકપ્રિય બની ગઇ હતી.

http://sambhaavnews.com/

You might also like