વેકેશન માણવા નીકળેલા પરિવારને અકસ્માતઃ બેનાં મોત, પાંચ ગંભીર

અમદાવાદ: પોતાના પરિવાર સાથે વેકેશન માણવા સાપુતારા જઇ રહેલા મહેસાણાના એક પરિવારને વાંસદા-વધઇ રોડ પર ગમખ્વાર અકસ્માત નડતાં પિતા-પુત્રનાં મોત થયા‌ં હતાં જ્યારે અન્ય પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના ગોઝારિયા ગામ ખાતે અક્ષર રેસિડન્સીમાં રહેતા વકીલ સુનિલભાઇ ઓઝા અને બાજુની શેરીમાં રહેતા તેમના ત્રણ મિત્રોના પરિવાર એમ મળી કુલ ચાર પરિવારના સભ્યો ત્રણ કારમાં વેકેશનની રજાઓ માણવા માટે સાપુતારા જવા નીકળ્યા હતા.

વાંસદા-વધઇ રોડ પર તલપડા ગામ પાસેથી સુનિલભાઇની કાર પસાર થતી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર કાર અથડાતા આ ગમખ્વાર ઘટના બની હતી જેમાં કારચાલક વકીલ સુનિલભાઇ અને તેમના પુત્રનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું.

અને તેમના પત્ની શિતલબહેન સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તમામને વલસાડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like