વાવ તાલુકાના શણવાલ ગામના પૂર્વ સરપંચનું અપહરણ બાદ કરપીણ હત્યા

અમદાવાદ: વાવ તાલુકાના શણવાલ ગામના પૂર્વ સરપંચનું અપહરણ કરી કેટલાક તત્ત્વોએ તેમની કરપીણ હત્યા કરતાં આ ઘટનાએ સનસનાટી સર્જી છે અને સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાતાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ બનાવની વિગત એવી છે કે, શણવાલ ગામના પૂર્વ સરપંચ અને બારોટ સમાજના અગ્રણી વર્ધાજી લાધાજી ગઇકાલે સાંજે કોઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ જ ગામના રહીશ ૧૩ શખસોએ તેમને રસ્તામાં આંતરી તેમનું અપહરણ કરી કોઇ અવાવરું ઘરમાં લઇ ગયા હતા ત્યાં લોખંડની પાઇપો તેમજ કોશથી હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી હતી.

આ ઘટનાના પગલે નાના એવા શણવાલ ગામમાં ઠેરઠેર લોકોના ટોળાં ભેગાં થયાં હતાં અને પરિસ્થિતિ‌ તંગ બની હતી. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓએ તાબડતોબ પહોંચી જઇ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તપાસ દરમ્યાન આ ઘટના જમીનની અદાવતમાં બની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે ખુનનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like