વટવામાં અર્બન હેલ્થ સેન્ટરના કામ પર અચાનક બ્રેક વાગી

અમદાવાદ: એક તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે લોકોને આરોગ્યની ઘરઆંગણે સુવિધા પૂરી પાડવા નવા નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવી રહ્યા છે. જોકે વટવામાં બની રહેલા અર્બન હેલ્થ સેન્ટરનું કામ રહસ્યમય રીતે અટકાવી દેવાતી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે.

તા.૧ મે, ર૦૧૭ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વટવાના મદનીનગર ‌િવસ્તારમાં આવેલી અસ્મી શાળાની પાછળના પ્લોટમાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની દિશામાંં પ્રારંભ કર્યો હતો. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મેયર ગૌતમ શાહના હસ્તે નવા અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું. નવા અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણ માટેની ગતિવિધિનો પણ પ્રારંભ થઇ ચૂકયો હતો. પાયા ખોદાઇને સ્લેબ પણ નંખાઇ ગયો હતો. જોકે બે મહિનાથી સત્તાવાળાઓએ ભેદી રીતે નિર્માણ કાર્ય બંધ કરી દીધું છે.

દરમિયાન સ્થાનિક સામાજિક સંસ્થા ક્લિન વટવા ગ્રીન વટવા ગ્રૂપ દ્વારા તાજેતરમાં વટવા અર્બન હેલ્થ સેન્ટરનું અધૂરું છોડી દેવાયેલું કામ ફરીથી ચાલુ કરવા સહી ઝુંબેશ શરૂ કરાઇ છે. જેમાં ૪,૦૦૦થી વધુ નાગરિકોએ સહી કરી હોવાનો આ સામાજિક સંસ્થાનો દાવો છે. આ દરમિયાન એક ઉચ્ચ મ્યુનિસિપલ અધિકારી નામ ન આપવાની શરતે કહે છે કે, ‘ઉપરથી આદેશ આવતાં કામ પડતું મુકાયું છે.’
http://sambhaavnews.com/

You might also like