વટવાની સોસાયટીમાં ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર પકડાયું

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારમાં મોટા પાયે ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં પોલીસની ઘોંસ વધતાં હવે કૌભાંડીઓ રહેણાક વિસ્તારમાં કોલ સેન્ટર શરૂ કરી દીધાં છે. ચાર પાંચ વ્યકિતઓની ટુકડીઓ બનાવીને મકાન તેમજ કારમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગરિકોને છેતરી રહ્યા છે. આવું જ એક કોલ સેન્ટર મોડી રાત્રે વટવા વિસ્તારમાંથી ઝડપાયું છે.

વટવા પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા એક મહિનાથી અલ કૂબા સોસાયટીમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. પોલીસે વોચ ગોઠવીને મોડી રાત્રે અલ કૂબા સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકની ધરપકડ કરાઈ. યુએસના નાગરિકોને બેન્ક લોન આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના કૌભાંડમાં વટવા પોલીસે મહોમદ હબીબ ગફાર અહેમદ શેખ, તેનો ભાઇ મહમદ બિલાલ ગફાર અહેમદ શેખ (રહે 765/5195 ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર) અને મોહમદ અકરમ અહેમદ અલી અંસારી (રહે ઇસ્માઇલ નગર, ગૌરી સિનેમા સામે રખિયાલ)ની ધરપકડ કરી હતી ત્યારે વિવેક તિવારી સહિત અન્ય એક વોન્ટેડ છે.

પોલીસે ત્રણેય યુવકની પૂછપરછ કરતાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે મકાનમાંથી પોલીસે ચાર કરતાં વધુ કમ્પ્યૂટર, વિદેશી નાગરિકોને છેતરવા માટે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ કબજે કરી છે. પોલીસ સૂત્રોનું માનવું છે કે ધરપકડ કરાયેલા ત્રણેય યુવક કોલ સેન્ટર કૌભાંડના સંડોવાયેલા નામચીન માસ્ટર માઇન્ડ યુવકો સાથે સંકળાયેલા છે. કોલ સેન્ટરમાં કેટલા વિદેશી નાગરિકોની ચીટિંગનો ભોગ બન્યા છે. તેમજ રૂપિયાનું ટ્રાન્જેકશન કેવી રીતે થતું હતું અને અન્ય કેટલી વ્યકિતઓ સંડોવાયેલી છે તેની તપાસ થશે.
http://sambhaavnews.com/

You might also like