વટવામાંથી વિદેશી દારૂનાં ક્વાર્ટર ભરેલી ૯૬૦ પેટી ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે વહેલી વટવા જીઆઇડીસી વિસ્તારમાંથી દારૂની ભરેલી ટ્રક અને કાર સાથે બે શખસની ધરપકડ કરી છે. રઇશ નામના બુટલેગરને દારૂનો જથ્થો આપતા હતા, તે સમયે ક્રાઇમ બ્રાંચે દરોડાે પાડીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં બુટલેગર રઇશ ફરાર થઇ ગયો છે ત્યારે ટ્રક અને કાર ચલાવનારા ખેપિયાની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતો રઇશ નામનો બુટલેગર દારૂ ભરેલી ટ્રક મગાવી રહ્યો છે. જેના આધારે આજે વહેલી સવારથી ક્રાઇમ બ્રાંચની ટીમ વટવા જીઆઇડીસી રોડ ઉપર વોચમાં હતી. તે સમયે અસલાલી રોડ ઉપર રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે વિનોદ મકવાણા તથા લાંભામાં રહેતો દીબન ગંગાધર હિંદવા દારૂ ભરેલી ટ્રક અને ઇનોવા કાર લઇને આવ્યા હતા.

ટ્રક અને ઇનોવા કારમાં ૯૬૦ પેટી વિદેશી દારૂનાં ક્વાર્ટર હતાં. બન્ને ખેપિયાઓ જ્યારે રઇશને ટ્રકમાંથી દારૂ આપતા હતા ત્યારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રઇશ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો જોકે ધર્મેન્દ્ર અને દીબન ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર અને દીબન અન્ય રાજ્યોમાંથી દારૂ લઇને આવતા હતા. ટ્રક પણ હરિયાણા પાસિંગની છે. હાલ આ દારૂ કઇ જગ્યાએ આપવાનો હતો. તે મુદ્દે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચે ૯૬૦ પેટી તથા એક ટ્રક અને ઇનોવા સાથે 59 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

You might also like