વટવામાં અાઠ અને રખિયાલમાં પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દુકાનોનાં તાળાં તોડતી ગેંગ સક્રિય બની છે. પશ્ચિમ વિસ્તારમાં પાંચ દિવસમાં ૧૬ જેટલી દુકાન-ઓફિસોનાં તાળાં તોડી ચોરી કર્યા બાદ રખિયાલ વિસ્તારમાં ગત રાત્રે આ ગેંગ તરખાટ મચાવી પાંચ જેટલી દુકાન-ફેકટરીનાં તાળાં તોડી રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

જ્યારે વટવા જીઅાઈડીસી વિસ્તારમાં અાવેલા શર્મા એસ્ટેટમાં અાવેલી અાઠ દુકાનોના તાળા તૂટ્યા હતા જેમાંથી તસ્કરો રોકડા રૂપિયાની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે પણ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના અાધારે તપાસ શરૂ કરી છે. ગત રાત્રે રખિયાલ વિસ્તારમાં અજોડ ડેરી રોડ પર આવેલા મારુતિ કોમ્પ્લેકસમાં તસ્કરોએ ત્રાટકી પાંચથી છ દુકાનો અને ફેકટરીઓનાં તાળાં તોડ્યાં હતાં. તસ્કરો ફેકટરીની ઓફિસમાં રહેલા પૈસાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારના સમયે દુકાનદારો દુકાને આવ્યા ત્યારે તેઓએ પોતાની દુકાનનાં તાળાં તૂટેલાં જોતાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

રખિયાલ પોલીસ તાત્કા‌િલક આ અંગે તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં કેટલીક દુકાનોનાં તાળાં તૂટ્યાં અને ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનદાર મનીષભાઇ પારેખના જણાવ્યા અનુસાર તેઓની દુકાનનું તાળું તોડી તસ્કરોએ દુકાનમાંથી ૧૦ થી ૧પ હજારની રોકડ રકમની ચોરી કરી છે. ૧પ દિવસ અગાઉ પણ રખિયાલના ચકુડિયા મહાદેવ નજીક પણ ૧૦ જેટલી દુકાનનાં તાળાં તૂટ્યાં હોવાની ઘટના બની હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોલા, ચાંદખેડા અને કાલુપુર જેવા વિસ્તારોમાં પણ આ દુકાનનાં તાળાં તોડ ગેંગે ચોરી કરી હોવાની ઘટના બની છે. શહેરમાં આવી તાળાં તોડ ગેંગ સક્રિય બની અને ચોરી કરતી હોઇ પોલીસના રાત્રી પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે.

You might also like