વેટ સમાધાન યોજના વધુ ત્રણ મહિના લંબાવવા ચેમ્બરની માગણી

અમદાવાદ: વેટ સમાધાન યોજના ૩૧ માર્ચે પૂરી થઇ ગઇ છે, જોકે આ સમાધાન યોજનામાં કેટલાક નિયમોને લઇને ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે વધુ ત્રણ મહિના લંબાવવાની સેલ્સટેક્સ બાર એસોસિયેશન સહિત વિવિધ વેપારી બાર એસોસિયેશનોએ માગ કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત ચેમ્બરે પણ સમાધાન યોજના લંબાવવા ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરી છે.

બાર એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે પાછલાં સપ્તાહે એક્સાઇઝ, સર્વિસટેક્સ અને વેટ કમિશનર સાથે થયેલી મિટિંગમાં પણ જીએસટીની સરળતાથી અમલવારી માટે વેટ સમાધાન યોજના ફરી એક વખત લંબાવવાની માગ કરવામાં આવી છે. આ અંગે બાર એસોસિયેશને કેટલીક શરતોમાં ફેરફાર કરવા સાથે નવી સમાધાન યોજના લાવવા સંબંધે સરકારમાં રજૂઆત કરી છે, જેમાં જેઓએ પ્રાથમિક ભરણું ભરેલું હોય તેનો પણ સમાધાન યોજનામાં લાભ મળે તથા ૩૧-૩-૨૦૧૭ સુધીના તમામ નાણાકીય વ્યવહારનો આ યોજનામાં સમાવેશ થઇ જાય તો આ સમાધાન યોજનાનો લાભ લેવા ઘણા વેપારીઓ આગળ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સેલ્સટેક્સ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વારીશ ઇશાનીના જણાવ્યા પ્રમાણે માર્ચ સુધીમાં રાજ્યભરમાંથી માત્ર ૯૨૫ અરજીઓ જ સમાધાન યોજના અંતર્ગત આવી હતી. સરકાર શરતોમાં ફેરફાર કરી આ યોજના વધુ ત્રણ માસ લંબાવે તો ઘણા વેપારીઓ આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવે તેમ છે. આ અંગે સરકારમાં રજૂઆત કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like